સ્પોર્ટ્સ બાઈક પર દારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ અન્ય બાઈકને ટક્કર મારતાં બંને બાઈકોના ચાલકો ઇજાગ્રસ્ત


ડેડીયાપાડા તાલુકામાં બુટલેગરોએ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પુરપાટે બાઈક દોડાવતાં અન્ય મોટર સાયકલને પાછળથી ઠોકર મારી હતી. બંને બાઇકો તકકરાતા બંને બાઈક ચાલકો ઘાયલ થયાં હતાં. દિવસ દરમ્યાન જાહેરમાં બાઈક પર દારૂની હેરફેર કરતાં આ સખ્શ પર પોલીસની નજર કેમ નથી? એવા પ્રશ્નો લોક મુખે ચર્ચાયા હતા.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ નજીક ઈંગ્લીશ દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતાં બુટલેગરોએ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પુરપાટે બાઈક દોડાવતાં અન્ય મોટર સાયકલને પાછળથી ઠોકર મારી હતી. બંને બાઇકો ટક્કરાતા બંને બાઈક ચાલકો ઘાયલ થયાં હતાં. જ્યારે કોથળામાં ભરેલો ઈંગ્લીશ દારૂનો, બિયરના ટીનના નંગોનો જથ્થો મુખ્ય માર્ગ ઉપર ખુલ્લામાં વેર-વિખેર થયો હતો. ચીકદા વિસ્તારમાં સાગબારા અને ઉમરપાડા તાલુકામાંથી બેફામ રીતે ખુલ્લેઆમ આવતાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવે છે. દિન દહાડે નંબર પ્લેટ વગરની સ્પોટર્સ બાઈક ઉપર કોથળામાં ઈંગ્લીશ દારૂની બોટલો ભરી એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરાફેરી થાય છે.
આ બાઇકો એટલી સ્પીડમાં જાય છે કે, સામે કોઈ ઠોકરે આવી જાય તો ઇજાગ્રસ્ત થઈ જાય સ્થાનિક લોકોએ ઘણીવાર આ બેરોકટોક બાઈક પર ચાલતી દારૂની હેરાફેરી કરનાર લોકોની પોલીસને જાણ પણ કરી છે. પણ ડેડીયાપાડા પોલીસનો દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર છૂપો આશીર્વાદ હોવાની લોક મુખે ચર્ચા થઈ રહી છે. ભરાડા ગામ નજીક બનેલા અકસ્માતમાં બાઈક પર સવારે બે સ્ત્રીઓ અને એક પુરુષને ગંભીર ઇજાઓ થઈ છે. જ્યારે દારૂની હેરાફેરી કરતાં બંને બુટલેગરોને પણ ગંભીર ઇજાઓ થઈ છે. ત્યારે મુખ્ય માર્ગો પર દિન દહાડે ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતાં આવા નામચીન બુટલેગરો પર પોલીસ અંકુશ લગાવશે કે કેમ? તેવું લોકોમાં પ્રશ્ન ઊભા થયા છે.