અમદાવાદમાં રાજપથ ક્લબ પાછળથી કારમાં દારૂ પીને આવતા 5 મિત્રોની અટકાયત

image-261

રાજપથ ક્લબની પાછળના રોડ પરથી દારૂ પીને ગાડીમાં જઈ રહેલા પાંચ મિત્રોની વસ્ત્રાપુર પોલીસે અટકાયત કરી હતી. મોડી રાત્રે દૂરથી આવી રહેલી ગાડી આડી અવળી ચાલતી હોવાથી પોલીસે ગાડી રોકી તપાસ કરતાં પાંચેય મિત્રો દારૂ પીધેલી હાલતમાં મળ્યા હતા.

વસ્ત્રાપુર પોલીસની ટીમ રાત્રે રાજપથ ક્લબની નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ઈસ્કોન ચાર રસ્તા બાજુથી એક ગાડી આવી રહી હતી. પોલીસે શંકાના આધારે ગાડી રોકી તેમાં સવાર પાંચ જણાની પૂછપરછ કરતાં તમામ દારૂ પીધેલી હાલતમાં જણાયા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં કારચાલક ગૌરાંગ રમેશભાઈ પટેલ, ઉં.36, વિનોદ ચીનુભાઈ પટેલ, ઉં.52, હિમાંશુ કાંતિભાઈ પટેલ, ઉં.45, નિલેશ નાનજીભાઈ પટોલિયા, ઉં.40, જયેશ દિનેશભાઈ પટેલ, ઉં.42, તમામ રહે. આર્યવન ફ્લેટ, સોલા હોવાનું જાણવા મળ્યું હતું.

વસ્ત્રાપુર પોલીસે પાંચેયની અટકાયત કરી ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પાંચેયની પૂછપરછ કરતાં તમામ કન્સ્ટ્રક્શન અને અન્ય વેપાર-ધંધા સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. પાંચેય મિત્રો બહાર દારૂની પાર્ટી કર્યા પછી રાત્રે અઢી વાગ્યે ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી અટકાયત કરી સવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.