HDFC બેંકમાં નોકરી કરતા યુવકને ચપ્પાના ઘા ઝીંકી રૂ. 21 હજાર તેમજ બાઈક લઈ ચાર ઈસમ ફરાર


હિંમતનગરના ગાંભોઇ પાસે આવેલ શામળાજી હાઇવે રોડ પર સરવણા ગામ નજીક બાઇક પર જઇ રહેલા એક બાઇક ચાલકને અચાનક ચાર ઇસમોએ રોડ પર આવી ઉભો રાખીને લાકડીઓ અને છરીના ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી થેલો ઝુંટવીને યુવકની બાઇક લઇ પલાયન થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને ગાંભોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની પાસે રહેલ રૂપિયા 21 હજારની રોકડ ભરેલો થેલો તથા બાઈક લઇને ભાગી ગયેલા ચાર ઇસમો સામે ગાંભોઇ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એફ.ઠાકોરે જણાવ્યા અનુસાર, હિંમતનગરના નવલપુર ભાટોડા ગામમાં રહેતા શકિતસિંહ આલુસિંહ પરમાર (ઉં.વ.28) પોતાની પલ્સર મોટર સાયકલ નંબર જીજે.09.સીપી.8625 લઇને આઈડીએફસી બેંકમાં પોતાની ફરજ પૂર્ણ કરી હિંમતનગરથી પોતાના ઘરે નવલપુર ભાટોડા તરફ જતા હતા તે દરમિયાન સરવણા પાસે રસ્તામાં ચાર ઇસમોએ શકિતસિંહ આલુસિંહ પરમારને ઉભો રાખી લાકડીઓથી માર મારી નીચે પાડી દીધો હતો. જોકે શકિતસિંહ આલુસિંહ પરમારે અચાનક બનેલી આ બનાવથી ગભરાયા વિના ચારે શખ્સોનો સામનો કર્યો હતો. ત્યારે આ ચાર ઇસમોએ છાતીના નીચેના ભાગમાં ચપ્પાના ઘા મારી શકિતસિંહ આલુસિંહ પરમારને લોહી લુહાણ કરી દીધો અને તેના પાસે રહેલા થેલામાં રહેલા રૂપિયા 18 હજાર તથા પેન્ટના ખીસામાંથી રૂપિયા ત્રણ હજાર મળી કુલ 21 હજારની રોકડ રકમ તથા 40 હજારની કિંમતનું બાઇક લુંટીને ભાગી ગયા હતા.
અચાનક બનેલા આ બનાવથી ઇજાગ્રસ્ત શકિતસિંહ આલુસિંહ પરમારે બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત યુવાનને ગાંભોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિમતનગર સિવિલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી તેને રજા આપી દીધી છે, તો લૂંટની ઘટના અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં ચાર ઇસમો સામે શકિતસિંહ આલુસિંહ પરમારે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુલૂંટ કરી લઇ ગયેલ બાઈક હિંમતનગર હડીયોલ રોડ પર બીનવારસી મળી આવ્યું છે. પોલીસે પણ લૂંટનો ગુનો ઉકેલવા ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.