મોરબી પાસે હાઈવે પર ટ્રેક્ટરે ટ્રેક ચેન્જ કરતા સમયે બાઈકને અડફેટે લેતા બાઇક સવારનું મોત


મોરબી-વાંકાનેર હાઈવે પર ટ્રેક્ટર ચાલકે હાઈવે પર ડ્રાઈવિંગ લેન બદલતા સમયે બેદરકારી દાખવી બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જે અકસ્માતમાં બાઈક સવારનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ભાગી ગયો હતો જે ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.
ટંકારાના લખધીરગઢ ગામના રહેવાસી પરવેજ અનવરહુશેન નાનાણીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે ટ્રેક્ટર અને તેની પાછળ જોડેલ ટ્રોલીના ચાલકે હાઈવે પર ટ્રેક્ટર પુરપાટે ચલાવી વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર મકનસર ગામ પાસે લેન સાઈડ બદલવા માટે પાછળ જોયા વિના ઝડપથી બીજી સાઈડમાં લેતા પાછળથી આવતા બાઈકને અડફેટે લીધું હતું. જે ઘટનામાં બાઈક સવાર ફરિયાદીનો ભાઈ ઈરફાન અનવરહુશેન નાનાણી નામના યુવાનનું મૃત્યુ નીપજયું હતું અને ટ્રેક્ટર સ્થળ પર રેઢું મૂકી ચાલક સ્થળ પરથી ભાગી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ દાખલ કરી ભાગી ગયેલા ટ્રેક્ટર ચાલકને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.