કોટડા (ઉ)માં જમીન ખરીદવાના નામે ખેડૂતનું ચાર અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

ભુજ તાલુકાના કોટડા ઉગમણા ગામમાં રહેતા ખેડૂત પાસે જમીન લેવાના નામે આવેલા અજાણ્યા ઇસમો કારમાં અપહરણ કરી જઇને છરીની અણીએ 50 લાખની માગણી કરી હતી. જે ન સંતોષાતાં માર મારીને અંજાર મધ્યે કારમાંથી ઉતારી આરોપીઓ પલાયન થઇ ગયા હતા. ઘાયલને તેમના ભત્રીજાએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પધ્ધર પોલીસ મથકમાં કાર નંબર સાથે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ હતી. કોટડા ઉગમણા ગામમાં રહેતા હરીલાલભાઇ જેન્તીલાલભાઇ સેંઘાણી (ઉવ.49)ની ફરિયાદને નજરે રાખીને પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદીને મંગળવારે કામ કાજ માટે રાજકોટ ગયા હતા.

ત્યારે કોઇ અજાણ્યા ઈસમનો ફરીયાદીને ફોન આવ્યો અને જમીન લેવા મામલે વાત કરી હતી. પછી બીજા દિવસે બુધવારે સવારે ફરિયાદી પોતાની કોટડા ઉગમણા ગામમાં આવેલી વાડીમાં હતા. ત્યારે સવારે ફરી અજાણ્યા ઇસમો ફોન કરીને જણાવ્યું હતું. કે, અમને જમીન લેવી છે. તમે ક્યા છો તેમ પુછતાં ફરિયાદીએ પોતાની વાડીનું એડ્રેશ આપ્યું હતું. કારમાં અજાણ્યા ચાર ઇસમો ફરિયાદીની વાડીના ગેટ આવીને જમીન લેવાના બહાને ફરિયાદીને કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.

કારમાં આ ઇસમોએ ફરિયાદીને માર માર્યો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 50 લાખ રૂપીયાની માંગણી કરી હતી, ફરિયાદીએ પોતાની પાસે રૂપિયા ન હોવાનું જણાવતાં આરોપીઓએ માર મારીને ફરિયાદીને અંજાર મધ્યે ઉતારીને નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત ફરિયાદીએ અંજાર રહેતા તેમના ભત્રીજો પુનીતને ફોન કરી બોલવ્યો  અને સમગ્ર ઘટના જણાવી હતી. ભત્રીજાએ ઇજાગ્રસ્ત કાકાને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યો હતો. ઘટના વિશે પધ્ધર પોલીસ અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.