કારે બાઇકને ટક્કર મારતા સંતાનો સાથે મોબાઈલ ખરીદવા જઈ રહેલા પિતાનું મોત

માંડવીના ફૂલવાડી ગામમાં રહેતા પિતા પોતાના સંતાન સાથે માંડવી મોબાઈલ ખરીદવા જતા હતા તે દરમિયાન સામે આવતી કારે ટક્કર મારતા મોટરસાઇકલ ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. જ્યારે બંને સંતાનને ગંભીર ઇજાઓ પહોચી હતી.

મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના ફૂલવાડી ગામમાં રહેતા સંજયભાઈ રામસિંગભાઈ વસાવા (38) ગત બપોરના સમયે પોતાના બે સંતાનો જીનિકા (12) અને પુત્ર જીનેશ (10) સાથે પેશન પ્રો મોટરસાઇકલ લઈ માંડવી નવો મોબાઈલ ખરીદવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન ઘંટોલી ગામની સીમમાં ફેડરીયા જતા રોડ પર મારુતિ મિનરલની સામે સ્વિફ્ટ ડિઝાયર કાર (GJ- 19 AA -1006) ના ચાલકે મોટરસાઇકલને ટક્કરે લેતા મોટરસાઇકલ સવાર ત્રણેય નીચે પટકાઈ ગયા હતા. જેમાં સંજયભાઈને માથાના ભાગમાં ઇજાઓ પહોચી હતી તથા દીકરી જીમિકામે જમણા પગમાં ઇજાઓ પહોચી હતી. જ્યારે પુત્ર જીનેશને મોઢા અને પીઠના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવ અંગે મૃતક સંજયભાઈના પિતા રામસિંગભાઈ વસાવાએ માંડવી પોલીસ મથકમાં સ્વિફ્ટ કારના ચાલક સામે ફરિયાદ કરી હતી.