ગાંધીનગરથી ઓપરેટ થતું રેત ચોરીના નેટવર્ક પ્રકરણમાં કથિત રીતે સંડોવાયેલા કર્મચારીઓને બચાવવા વિભાગના અધિકારીઓ મેદાને ઉતર્યા, ટ્રકદીઠ 10 હજારનો હપ્તો


“કાઠિયાવાડી કોયલ” કોડવર્ડ થકી બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદેસર રેત ખનન કરી પાટણ, મહેસાણા,ગાંધીનગર અને અમદાવાદ સુધી હેરફેર કરવા ગાંધીનગરથી ઓપરેટ થતાં આયોજન પૂર્વકનાં નેટવર્ક પ્રકરણમાં કથિત રીતે સંકડાયેલા રોયલ્ટી ઈન્સ્પેક્ટર અને ડ્રાઇવરને બચાવવા માટે ખાણ ખનિજ વિભાગના જ અધિકારીઓને મેદાને ઉતર્યા હોવાની વિગતો પબહાર આવી છે. જે અન્વયે હાલમાં જ મહેસાણા, બરોડા સહિતના અધિકારીઓએ કલોલના નંદાસણ મધ્યે મિટિંગ પણ યોજાઈ હતી. ત્યારે આખા નેટવર્ક માટે ટ્રક દીઠ 10 હજારનો હપ્તો બાંધવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ગાંધીનગરથી ઓપરેટ થતાં કાઠિયાવાડી કોયલ કોડવર્ડથી ગેરકાયદેસર રીતે બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદેસર રેત ખનનનાં નેટવર્ક પ્રકરણમાં કથિત રીતે ખાણ ખનિજ વિભાગના ડ્રાઇવર જયેશ ત્રિવેદી અને GMRDS સંસ્થાના કરાર આધારિત રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યા તથા તેના મળતિયા પરેશ (કાઠિયાવાડી કોયલ)ની કથિત સંડોવણી હોવાનો ખુલ્લો આરોપ ભૂ માફિયા યોમેશ ગજ્જરે કરતાં ખાણ ખનિજ વિભાગની આબરૂનાં ચીથડેચીથડા ઉડી ગયા છે.
આ રેત ચોરીનું નેટવર્ક બહાર આવતાં જ ખાણ ખનીજ વિભાગે માત્ર નોટિસ આપીને સંતોષ માની લઈ બંને કર્મચારીઓને પૂરતો સમય અપાયો છે. વિભાગના ડ્રાઇવર અને ભૂ માફિયા વચ્ચેની વાતચીતના કથિત ઓડિયોમાં સ્પષ્ટ રીતે ડ્રાઇવર જયેશ ત્રિવેદી રૂપિયાની માંગણી કરીને ખાણ ખનીજનાં ઉપરી અધિકારોની પણ ચિંતા નહી કરવાની શેખી મારતો હોવાથી ખાણ ખનીજનાં અધિકારીઓની આબરૂ પણ દાવ પર લાગી છે.
જેનાં સંદર્ભે અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. કાઠિયાવાડી કોયલ પ્રકરણ બહાર આવતા જ હાલમાં મહેસાણા, બરોડા સહિતના અધિકારીઓએ કથિત રીતે સામેલ કર્મચારી અને મળતિયા પરેશ સાથે કલોલના નંદાસણ મધ્યે મિટિંગ પણ કરાઈ હોવાનું વિગતો મળી છે. ત્યારે કાઠિયાવાડી કોયલ કોડવર્ડથી ચલાવવામાં આવતાં નેટવર્કમાં એક ટ્રક દીઠ 10 હજારનો હપ્તો હોવાનું પણ સામે આવ્યું છે.
આ વિશે સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસ નદી અને કંબોઈમાંથી ગેરકાયદેસર રીતે રેત ખનન કરીને ટ્રકોમાં લોડ કરી જેતે સ્થળે પહોંચતી કરવા એક જિલ્લા દીઠ 10 હજાર નો ટ્રકનો હપ્તો હોય છે. એટલે કે ચાર જિલ્લામાંથી ટ્રક પસાર થવાની હોય એટલે 40 હજાર નક્કી કરેલો હોય છે. આ ટ્રક મહિનામાં ગમે તેટલી વાર ગેરકાયદેસર રેતીનું વહન કરે તેને વગર રોકટોક પસાર કરી દેવાય છે. જેનાં માટે વોટ્સઅપ ગ્રુપ એક્ટિવ કરેલા છે. રોયલ્ટી પાસ વગરની ટ્રક એક જિલ્લાથી બીજા જિલ્લામાં નીકળે એટલે એની બધી અપડેટ ગ્રુપમાં શેર થતી રહે છે. ત્યાં સુધી કે જેતે જિલ્લાનો ખાણ ખનીજનો અધિકારી પણ રાઉંડમાં નીકળે એની ગાડી નંબર અને નામ સુદ્ધાં સહિતની વિગતો લોકેશન સાથે અપડેટ થતી રહે છે. જેનાં થકી ટ્રકનો રૂટ બદલી દેવામાં આવે નહિ તો અધિકારીને સૂચના મળી જતી હોય છે.
બીજી બાજુ આ પ્રકરણને ઉજાગર કરનાર ભૂ માફિયા યોમેશ ગજ્જરે આક્ષેપ કરીને ગર્ભિત ધમકીઓ મળી રહી હોવાનો દાવો કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં રોયલ્ટી ઈન્સ્પેક્ટર કૌશલ પંડ્યા તથા મળતિયા પરેશ (કાઠિયાવાડી કોયલ) સામે અરજી પણ અપાઈ છે. જેનાં પગલે હવે પોલીસ પણ આગામી દિવસમાં રોયલ્ટી ઇન્સ્પેકટર કૌશલ પંડ્યા તથા પરેશ સહિતનાને તેડું મોકલીને તપાસનો દોર શરૂ કરવાના છે. તો આ અંગે એસીબી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પણ સંભાવના નકારી શકાય નહિ.