દહેગામના કડાદરા પુલ ઉપર કારની જોરદાર ટક્કરથી જ્યુપિટર ઉછળીને કેનાલમાં ખાબકયુ: એકનું મોત


દહેગામ તાલુકાના કડાદરા રોડ પર કાર અને જ્યુપિટર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં એક યુવાનનું ઘટનાસ્થળેથી જ મૃત્યુ થયું હતું. આ અકસ્માતમાં કારની ટક્કર એટલી ભયાનક હતી હતી કે જ્યુપિટર સવાર બે યુવાનો ઉછળીને રોડ પર પટકાઈ ગયા અને જ્યુપિટર પણ ઉછળીને કેનાલમાં ખાબકી ગયું હતું. આ વિશે દહેગામ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વેજલપુરમાં રહેતાં ધર્મેન્દ્રભાઈ ગૌતમભાઈ શાહ એલ્યુમિનિયમ સેકશન ફિટિંગનો ધંધો કરતા હતા.ઝાંખ કડાદરા એલ્યુમિનિયમ સેકશનનાં કામ માટે ધર્મેન્દ્રભાઈ તેમના કારીગર વિનોદ માઝી સાથે અમદાવાદથી દહેગામ જ્યુપિટર લઈને આવ્યા હતા. તે સમયે કડાદરા જલૂંદ્વા પુલ પરથી પસાર થતા સમયે સામેથી GJ-18BG- 9550 ના ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને બેદરકારીથી હંકારીને જ્યુપિટરને સામેથી ટક્કર મારી હતી.
આ અકસ્માત થતાં જ્યુપિટર ઉછળીને કેનાલમાં ખાબકી ગયું હતું. તો ધર્મેન્દ્ર અને વિનોદ ઉછળીને રોડ પર પટકાઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ધર્મેન્દ્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કારીગર વિનોદને ગંભીર ઈજાઓ પહોચવાથી બેભાન થઈ ગયો હતો. અકસ્માતના કારણે કારનો ચાલક સ્થળ પર કાર મૂકીને ભાગી ગયો હતો.
આ અકસ્માતના કારણે મોટી સંખ્યામાં રાહદારી વાહનચાલકો એકત્ર થઈ ગયા હતા. કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરીને બોલાવી લીધી અને ગંભીર હાલતમાં વિનોદને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પણ સ્થળ પર દોડી ગયા અને મૃતકની લાશનું પીએમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. મરનાર વેપારી પાસેથી 108 ની ટીમને બે લાખ 16 હજાર રોકડા મળી આવ્યા હતા. જે 108ની ટીમે પોલીસને આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.