મોબાઇલ ચોરીની આશંકા રાખી વિજાપુરના બે ભાઈઓ પર બે ઇસમોએ છરાથી હુમલો કઋ ઇજા પહોચાડી

વિજાપુર શહેરના યુવક પર ચોરીનો મોબાઇલ રાખ્યો હોવાની આશંકા રાખીને લઘુમતી કોમના બે ઇસમોએ છરાથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનો બનાવ વિજાપુર પોલીસ મથકમાં દાખલ કરાયો છે. વિજાપુર શહેરના જાજનવાડામાં રહેતો સદાકત અલી સૈયદ રાત્રે વોરવાડના ચબૂતરા વિસ્તારમાં બેઠો હતો. તે સમયે મોન્ટી ઉર્ફે સાહિલ સૈયદે આવીને બાદશાહ નામના કોઈ વ્યક્તિએ મોબાઇલની ચોરી કરેલ છે અને તે મોબાઇલ તારી પાસે હોવાનું જાણવા મળ્યું છે.

જો તે આવો કોઈ મોબાઇલ લીધો હોય તો પાછો આપી દે તેવી ચર્ચા ચાલી રહી હતી તે સમયે અમન સૈયદે હાથમાં છરો લઈને તથા વસીલ સૈયદ એ લાંબો તલવાર જેવા છરા સાથે તું ચોર છે અને ચોરીના મોબાઈલ રાખે છેનું કહી હુમલો કરી છરાથી જમણા હાથ પર છાતીના ભાગમાં અને પીઠ પર ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી અને લોહી લુહાણ હાલતમાં સદાકતઅલી બેહોશ થઈ નીચે પડી ગયો હતો. આ દરમિયાન તેના ભાઈ અલમાસઅલી ત્યાંથી નીકળતો હોવાથી તેના ઉપર પણ બંને જણાએ હુમલો કરી છાતીના અને પીઠના ભાગમાં છરાના ઘા માર્યા હતા.

ઘટનાને પગલે તેના મોટાભાઈ હીદાયત અલીએ બંને ભાઈઓને હિંમતનગર સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સદાકત અલીની હાથની નસો કપાઈ ગઈ હોવાથી ઓપરેશન કરીને તબીબે પ્લાસ્ટિક સર્જરી કરી હતી. સામાન્ય બાબતને લઈ બંને ભાઈઓ ઉપર હુમલો કરનાર વસીમ રફીક અલી સૈયદ તથા અમન ઈમ્તિયાઝ અલી સૈયદ બંને સામે સદાકત અલીએ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બંને સામે કાર્યવાહી હાથ ધરી હતી.