કડીમાં પુત્રવધુ પોતાના સોના-ચાંદીના દાગીના લેવા માટે સાસુ-સસરા પાસે ગઈ, સાસુ-સસરાએ કહ્યું કે દાગીના નહીં મળે અને હુમલો કરતા હોસ્પિટલમાં ખસેડાઈ


કડી શહેરના કરણનગર રોડ ઉપર પુત્રવધૂ પોતાનાં સાસુ-સસરા પાસે સોના-ચાંદીના દાગીના લેવા માટે ગઈ હતી. સાસુ-સસરાએ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી અને કહ્યું કે, તારા દાગીના નહીં મળે. આમ કહ્યા પછી હુમલો કરાતાં પુત્રવધૂને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં કડી પોલીસે 2 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડીના કરણનગર રોડ ઉપર આવેલી નારાયણનગર સોસાયટીમાં યુવતી તેમના પતિ સાથે રહે છે અને તેમનાં સાસુ સસરા કડીના કરણનગર રોડ ઉપર આવેલી શુકન સોસાયટીમાં રહે છે. જ્યારે દિવાળીનો તહેવાર આવતો હોવાથી યુવતી શુકન બંગ્લોઝમાં તેમના સસરા કિરીટના ઘરે ગયાં અને તેમના સાસુ સસરાને યુવતીએ કહ્યું કે, તહેવાર આવતો હોવાથી મારા દરદાગીના તમે આપો. ત્યારે તેમનાં સાસુ-સસરાએ કહ્યું કે, તમે તમારા પિયર પક્ષના માણસો બોલાવી દો અને અમે અમારા માણસો બોલાવીને તમારા દર દાગીના આપી દઈશું. આ વાતચીત ચાલતી હતી તે દરમિયાન અચાનક જ યુવતીના સસરા તથા સાસુ ઉશ્કેરાઈ જતા જેમતેમ બોલવા લાગ્યા હતાં અને કહ્યું કે, તારા દાગીના નહીં મળે તારાથી થાય એ કરી લેજે તેમ કહીને ઘરનો દરવાજો બંધ કરીને અંદર જતાં રહ્યા હતાં.
યુવતી ઘરની બહાર બેઠી હતી તે સમયે અચાનક જ તેમના સાસુ-સસરા હાથમાં ધોકો લઈને પહોચી આવ્યા અને તેના ઉપર ધોકા વડે હુમલો કરી દેતાં બાજુમાં રહેલી મહિલાએ બૂમાબૂમ કરી હતી. આજુબાજુના લોકો દોડી આવ્યા અને યુવતીને મારમારીમાંથી બચાવી હતી. યુવતીને ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. કડી પોલીસે બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.