ચોરીના 54 કિલો તાંબા પિત્તળના વાસણો સાથે 1 ઈસમ પકડાયો

સુરેન્દ્રનગર એસઓજી ટીમ ધ્રાંગધ્રા વિસ્તારમાં હતી તે દરમિયાન દરમિયાન ચોરીના વાસણ સાથે ઈસમ હોવાની બાતમી મળી હતી. આથી તાંબા પીતળના વાસણો સાથે એક ઈસમને પકડી પાડી આગળની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા સીટી પોલીસને સોંપાયો હતો. જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ચોરીના ગુના અટકાવવા અને આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. આથી એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોતી તે દરમિયાન ચોરી કે છળ કપટથી મેળવેલા તાંબા પીતળના વાસણ સાથે ઈસમ હોવાની બાતમી મળી હતી.

આથી ધ્રાંગધ્રાના દિલ્લી દરવાજા પાસેથી વાસણો ભરેલા કોથળા સાથે એક ઈસમને પકડી પાડી પુછપરછ કરતા તે ધ્રાંગધ્રા નાની બજારનો રહીશ સોહીલ ઉર્ફે દાબેલો હાજીભાઇ પઠાણ હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે વાસણ અંગે કોઇ સંતોષકારક જવાબ ન આપતા ચોરી કે છળકપટથી મેળવ્યાનુ જણાયું હતું.

8 માટલી, 9 બોઘેણા, 1 ડોલ, 4 તાસ, 2 તપેલી, 1 કળસ, 1 પ્રાઇમસ, 2 કડાઇ, 2 થાળી, 2 ઢાંકણા વગરના ડબ્બા સહિત 54 કિલોનો મુદામાલ રૂ.21,600નો  કબ્જે કરી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવતા તેમણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઇ એસ.એમ. જાડેજાના માર્ગદર્શનમાં એએસઆઇ પ્રવિણભાઇ આલ, જયરાજસિંહ ઝાલા, મીતભાઇ મુંજપરા સહિત એસઓજી ટીમ જોડાઇ હતી.