વડોદરાના કરજણ ભરથાણા ટોલનાકા પાસેથી જનરેટર મશીનરીની આડમાં લઇ જવામાં આવતો રૂ.2.76 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

copy image

વડોદરાના કરજણ હાઇવે ટોલનાકા પાસેથી ભરૂચથી વડોદરા તરફ બોલેરો જીપમાં આવી રહેલો દારૂ-બિયરનો જંગી જથ્થો જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યો છે. પોલીસે રૂપિયા 2.76 લાખ ઉપરાંતનો દારુ-બીયરનો જથ્થો, બોલેરો જીપ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 7.8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારુ-બિયરનો જથ્થો જનરેટર મશીનરીની આડમાં લઇ જવામાં આવતો હતો. પોલીસે આ ગુનામાં જીપ ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મેહુલસિંહ તથા વિનોદકુમારને માહિતી મળી હતી કે, બોલેરો જીપમાં ભરૂચથી વડોદરા તરફ દારુનો જથ્થો આવી રહ્યો છે. જે માહિતીના આધારે LCB પી.આઇ. કૃણાલ પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ હાઇવે ભરથાણા ટોલનાકા નજીક સ્ટાફ વોચમાં ગોઠયો હતો. આ દરમિયાન ભરૂચ તરફથી બોલેરો પીકઅપ વાન આવી પહોંચતા પોલીસે અટકાવી તપાસ કરતા જનરેટરની મશીનરી જોવા મળી હતી. પોલીસે વધુ તપાસ કરતા જનરેટરની મશીનરી અંદરથી દારુ-બીયરની 1560 બોટલો મળી હતી. પોલીસે રૂપિયા 2,76,600 જથ્થો જપ્ત કર્યો હતો. તે સાથે પોલીસે જીપ ચાલક રાજેન્દ્ર મધુકર મહાકાલ (રહે. બી-204, વસંત વિહાર કોર્ટ નાકા, રાયગઢ, મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.

પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, દારુની હેરાફેરી કરનારા ખેપીયાઓ નવા-નવા કીમીયા અપનાવતા હોય છે. પરંતુ, પોલીસની નજરમાંથી બચી નથી શકતા. બોલેરો પીકપ વાનના ચાલકે જનરેટરની મશીનરીની આડમાં દારુ-બિયરનો જથ્થો ભરૂચ તરફથી વડોદરા તરફ લાવતો હતો. પોલીસે દારુ-બિયરના જથ્થા સાથે જનરેટરની મશીનરી, બોલેરો પીકઅપ વાન, મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 7,82, 100 નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકમાં દાખલ કરાવાઇ હતી. કરજણ પોલીસે પ્રોહિબીશન એક્ટ તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.