મહેસાણામાં બે યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થતાં આરોપીએ યુવકને પાઇપ વડે માર માર્યો

copy image

મહેસાણા શહેરમાં આવેલા ચિત્રોડીપુરા રોડ પર બે યુવકો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ. જે બાબતે એક યુવકે અન્ય એક યુવકને પાઇપ વડે માર માર્યો હતો. જેમાં યુવકના હાથ-પગે ઈજાઓ થઈ હતી. તથા હુમલો કરનારા અન્ય યુવકે બીજા યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી.

મહેસાણા શહેરમાં ચિત્રોડીપુરા રોડ પર આવેલા સંજય નગરમાં પાસેની વસાહતમાં રહેતા ધાર્મિક પરમારે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યું છે કે, તે પોતાના માહોલ પાસે બેઠો હતો તે દરમિયાન તેના ઘર પાસે રહેતો પરમાર કિરણ અને ફરિયાદી વચ્ચે બોલાચાલી થઈ હતી.

ત્યારપછી ગઈકાલે સવારે ફરિયાદી યુવક રસ્તામાં જઈ રહ્યો હતો તે દરમિયાન કિરણ પરમાર પોતાની રિક્ષા લઇ આવી ફરિયાદી યુવકને કહ્યું હતું કે ” તને તો મારવો પડશે” એમ કહી બોલાચાલી કરી હતી. જેમાં આરોપી કિરણ પરમારે પોતાની રિક્ષામાં રહેલી પાઇપ લઇ ફરિયાદી યુવકને હાથ-પગમાં અને માથાના ભાગમાં મારી હતી. ત્યાર પછી ફરિયાદી યુવકે બુમાબુમ કરતા લોકો એકત્ર થઈ જતાં કિરણ પરમાર ફરિયાદી યુવકને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી નાસી ગયો હતો. આ સમગ્ર બાબતે હાલમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં કિરણ પરમાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે.