રોણકીની જમીનના ખોટા દસ્તાવેજ બનાવી જમીન વેચવાનું કહી ચાર ઇસમે રૂ. 1 કરોડ પડાવ્યા


જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતા આધેડને રોણકીની જમીન વેચવાની છે તેમ કહી ચાર ઇસમોએ બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. કાલાવડ રોડ પર રૂરલ હાઉસિંગ બોર્ડના ટેનામેન્ટ ક્વાટર્સમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો વ્યવસાય કરતાં પ્રદીપસિંહ નિકુલસિંહ સરવૈયા (ઉ.વ.47)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રમેશ રાણા મકવાણા, જીતેન્દ્ર સોમા મકવાણા, ભરત મુછડિયા અને હિરા પમા સાગઠિયાના નામ આપ્યા હતા.
પ્રદીપસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે મિત્ર મારફત ઉપરોક્ત ચારેય આરોપીઓ કાલાવડ રોડ પર રોયલ શોરૂમ પાસે મળ્યા હતા, ચારેય આરોપીઓએ રોણકીની જમીન પૈકીની એક એકર 20 ગુંઠા જમીન વેચવાની છે તે જમીન તેમની સંયુક્ત માલિકીની હોવાની વાત કરી જમીનનો સોદો રૂ. 1 કરોડ 1 લાખમાં નક્કી કર્યો હતો, આરોપીઓએ પોતે જમીનના સંયુક્ત ભાગીદાર હોવાના કેટલાક દસ્તાવેજ પ્રદીપસિંહને બતાવ્યા હતા.
પ્રદીપસિંહે રૂ.1 લાખનો ચેક અને રૂ. 50 લાખ રોકડા સુથી પેટે આપ્યા હતા, ત્યાર પછી કટકે કટકે તમામ રકમ પૂરી કરી આપી હતી પરંતુ આરોપીઓએ દસ્તાવેજ કરી આપ્યા હતા નહિ, દસ્તાવેજ કરવાની વાત આવે ત્યારે આરોપીઓ જુદા જુદા બહાના આપતા હોવાથી પ્રદીપસિંહને આશંકા જતા તેમણે તપાસ કરતાં તે જમીન રમેશ બાબુભાઇ પરસાણાની હોવાનું ખુલ્યું હતું, આરોપીઓ દસ્તાવેજ કરી આપતા ન હોવાથી ઠગાઇ કર્યાનું સ્પષ્ટ થતાં અંતે પ્રદીપસિંહે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.