ગાંધીનગરના સેક્ટર-24માં ATMને ગેસ કટરથી કાપી 6.19 લાખની ચોરી કરી ચોર છૂમંતર થઈ જતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો

copy image

ગાંધીનગરનના સેકટર-24 માર્કેટની વચ્ચે આવેલા ખાનગી બેંકના ATMને ગેસ કટરથી કાપી અંદરથી ચોર રૂ. 6 લાખ 18 હજાર 900ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેને લઈ સનસનાટી મચી જવા પામી છે. ભરચક બજારમાં ચોરે એ.ટી.એમ તોડીને ચોરીને અંજામ આપતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદ મધ્યે રહેતા મુર્તુજા હુસેની દાહોદવાલા હિટાચી પેમેન્ટ સર્વીસીસ પ્રા.લિ.કંપનીમાં મેનેજર તરીકે છેલ્લા દશેક વર્ષથી ફરજ બજાવે છે. જેમની કંપની જુદા જુદા બેન્કોના એ.ટી.એમ મેનેજ તથા સર્વીસીસ અંગેનું કામકાજ કરે છે. જેમાં મેનેજર તરીકે તેઓ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં લગાડવામાં આવેલા એટીએમ મશીનો ઉપર રૂબરૂમાં જઇ વિઝીટ કરવામાં આવતી હોય છે. તથા તેના મેન્ટેનન્સ અને એટીએમ ઉપર લગાડેલા સીસીટીવી ફુટેજ ચકાસવાણી વગેરે કામગીરી પણ કરવાની હોય છે.


​​​​
ગાંધીનગર સેક્ટર-24માં માર્કેટની વચ્ચે ખાનગી બેન્કનું એ.ટી.એમ.આવેલ છે. જે એ.ટી.એમ.નું મેનેજ તથા સર્વીસીસ અંગેનુ કામ પણ ઉક્ત કંપની દ્વારા છેલ્લા ઘણા સમયથી કરાય છે. ત્યારે સવારે સફાઇ કામદાર સુપરવાઇઝર નામદેવે ફોન કરીને જણાવ્યું હતું કે, બેન્કનું એ.ટી.એમ. કોઈએ તોડી નાખી કોઇએ ચોરી કરી છે. જેથી આ અંગે પોલીસ અને બેંકમાં જાણ કરીને મુર્તુજા ગાંધીનગર દોડી આવ્યાં હતા.

તસ્કરોએ ગેસ કટરથી એ.ટી.એમ કાપીને જુદા જુદા દરની ચલણી નોટો ચોરી લેવાઈ હોવાનું માલુમ પડયું હતું. જેની જાણ થતાં એટીએમમાં કેસ લોડ કરનારા સી.એમ.એસ.(કેશ મેનેજમેન્ટ સર્વીસ) કંપનીને જાણ કરતા કંપનીના કસ્ટોડિયન મયંક સોની દોડી આવ્યા હતા. ત્યારે જાણ થઈ કે ગત તા. 19મી ઓક્ટોબરના રોજ સાંજના રૂ. 10 લાખ મશીનમાં લોડ કરાયા હતા અને તા 20મી ઓક્ટોબર સુધીના વપરાશને બાદ કરતાં રૂ. 6 લાખ 18 હજાર 900 ચોર ચોરી ગયાનું બહાર આવ્યું હતું. ચોર પોલીસને ખુલ્લો પડકાર આપતા હોય તે રીતે સ્કોર્પીયો ગાડીમાં ચાર ચોર આવીને ચોરીને અંજામ આપી પલાયન થઈ ગયા હતા.