ઇતરડીના કરડવાથી થાય છે કોંગો ફિવર, ગારિયાધારમાં કોંગો ફિવરનો એક કેસ સામે આવતા દોડધામ


ભાવનગર જિલ્લામાં છેલ્લા સમયથી કોંગો ફિવર નામના રોગે પગ પેસારો કર્યો છે. આ રોગ જે ક્રિમયન કોંગો હેમરેજીક ફિવરના નામે ઓળખાય છે. આ રોગ ઘાતક છે અને તે ખાસ પ્રકારના વાયરસથી થાય છે. આ રોગ માટે જવાબદાર વાહક પશુઓના લોહી પર નભતી ઇતરડી છે. ક્રિમયન કોંગો હેમરેજીક ફિવર રોગ ઇતરડીના કરડવાથી થાય છે.
ઇતરડી કરડવાથી આપણા શરીરમાં ખાસ પ્રકારનો વાયરસ પ્રવેશે છે આ રોગમાં 30 ટકા કિસ્સામાં મનુષ્યનું મોત થાય છે. આ રોગના ભાવનગર જિલ્લામાં આ સિઝનમાં કોંગો ફિવરના કુલ પાંચ કેસ નોંધાઇ ચૂક્યા છે અને તે પૈકી 2ના મોત થયા છે. આજે ગારિયાધારના શિવેન્દ્રનગરમાં કોંગો ફિવરનો એક નવો કેસ સામે આવ્યો. અમુક હદે જીવલેણ ગણાતા કોંગો ફીવરે અગાઉ પોતાની લપેટમાં સિહોર પંથકના પાંચવડા ગામના 40 વર્ષીય યુવાનને લીધા હતાં તે પછી હવે જ્યારે દીપોત્સવીનું પર્વ શરૂ થઇ ગયું છે ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે.
ગારિયાધાર તાલુકાના શિવેન્દ્રનગરમાં 22 વર્ષના યુવાનને આજે કોંગો ફિવરના દર્દી તરીકે જાહરે કરાયો હતો અને સારવાર માટે ભાવનગર ખાતેની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં આ સિઝનમાં કોંગો ફિવરના કુલ 5 કેસ નોંધાયા છે અને તે પૈકી 2 દર્દીના મોત થયા છે જ્યારે 2 દર્દી સાજા થઇ ગયા છે જ્યારે એક દર્દી હજુ સારવારમાં છે.
ઇતરડી કરડ્યાને 2 થી 6 દિવસમાં રોગની શરૂઆત થઈ જાય છે. સખત તાવ, માથાનો-સ્નાયુનો દુ:ખાવો, ઉલ્ટી-ઉબકા, પેટનો દુ:ખાવો, થાક લાગવો, ચક્કર આવવા, સાંધાનો દુ:ખાવો, આંખો લાલ થવી, પેશાબ-ઝાડામાં, દાંતના પેઢામાંથી લોહી નીકળવુ વગેરે આ રોગના મુખ્ય લક્ષણો છે.
આ રોગના લક્ષણો જણાય તો તુરંત જ આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરવો. આખું શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા. પશુ વ્યવસાયવાળા લોકોએ સાફ-સફાઇ રાખવી અનિવાર્ય. ઇતરડી મારવાની દવાનો ઉપયોગ કરવો.