વડવા (ભોપા)માં પાણી પુરવઠાના લોખંડના પાઇપ ચોરી કરનાર રંગે હાથ ઝડપાયા


નખત્રાણા તાલુકાના વડવા ભોપા ગામની સીમમાં પોલીસે પાણી પુરવઠા વિભાગના કીમતી પાઇપની તસ્કરી કરતાં શખ્સોને રંગે હાથે પકડી પાડી કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. જેમાં બે ચાલકોની સાધનો સાથે ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મુખ્ય સૂત્રધાર તરીકે ચપરેડી ગામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે.
નખત્રાણા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી અનુસાર, પોલીસની ટીમ મંગવાણાથી વડવા ગામ તરફ જતા રસ્તે પેટ્રોલિંગ કરી રહી હતી એ દરમિયાન બાતમી મળી કે, વડવા ભોપાથી મંગવાણા તરફ જતા રોડ પર પાણીની મોટી પાઇપલાઇન નાખવાનું કામ ચાલુ છે ત્યાં એક આઇસર ટેમ્પો અને ક્રેન મશીન ઉભેલ છે અને તેઓ લોખંડના પાઇપ આઇસર મશીનમાં ભરવામાં આવી રહ્યા છે. જેથી તાત્કાલિક દરોડો પાડીને ડ્રાઇવરને આઇસરમાં પાઇપ ભરવા અંગે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપી શકયા ન હતા.
જેથી આઇસર નંબર એમ.એચ.06 બીડી 9000 કિંમત રૂ.5 લાખના ચાલક રફીક જુમા ભજાણીયા અને હાઇડ્રા મશીન નંબર જીજે 12 સિજે 1931ના ડ્રાઇવર ઉપેન્દ્ર રામનવમી નિશાદ (ઉતરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમના કબજાના આઇસર ટ્રકમાંથી લોખંડના 12 પાઇપ મળી આવ્યા હતા.
આ અંગે નખત્રાણા પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઠુમમરે માહિતી આપતાં જણાવ્યું કે, સ્થળ પરથી 5 લાખનું આઇસર,11 લાખની ક્રેઇન અને 25 હજારના એક મળી કુલ 12 પાઇપ કિંમત રૂ.3 લાખ અને 50 હજારની પલ્સર બાઇક મળી કુલ 19,50,000 નો મુદામાલ સીઆરપીસી કલમ 102 મુજબ શક પડતા માલ તરીકે જપ્ત કરાયો છે.
પોલીસ દ્વારા બંને ચાલકોની પૂછપરછ કરાતા તેઓ ભુજ તાલુકાના ચપરેડી અટલનગર ગામના હરિ ગોપાલ ગાંગલના કહેવાથી પાઇપ ભરવા આવ્યા હોવાનું અને હરિ જ તેઓને આ સ્થળે લઈ આવ્યો હોવાનું કહ્યું હતું જેથી તેને પૂછપરછ માટે બોલાવી આગળની તપાસ હાથ ધરાઈ હોવાનું કહ્યું હતું.
પાણી પુરવઠા બોર્ડના નખત્રાણાના કોન્ટ્રાકટર પાર્થ પટેલે જણાવ્યું કે,સાઈટ પર રાખવામાં આવેલા માણસો આ બે ઇસમોને પાઇપની ચોરી કરતા જોઈ ગયા હતા.જેથી મને જાણ કરી તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરતા નખત્રાણા પોલિસની ટીમ આવી પહોચી હતી.પોલીસ આવતી હોવાની જાણ થતા આ બંને જણા આઇસરમાંથી પાઇપ ઉતારવા લાગ્યા હતા કુલ 20માંથી 8 પાઇપ ઉતારી લેવામાં આવ્યા હતા પણ 12 પાઇપ હતા ત્યારે જ પોલીસ આવી ગઈ અને બંને જણા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે,તેઓ વતનમાં દિવાળી ઉજવવા મહેસાણા ગયા હતા પણ ઘટનાની જાણ થતા કચ્છ આવવા નીકળ્યા છે અને આજે સાઇટ પર સર્વે કરી પોલીસ ફરિયાદ કરાશે તેવું કહ્યું હતું.