નખત્રાણાના નાની વિરાણીમાં પરિવાર દિવાળીની ખરીદી કરવા ગયો અને ઘરમાં આગ ભભૂકતા તમામ ઘરવખરી બળીને ખાખ

image-332
copy image

નખત્રાણા તાલુકાના નાની વિરાણી ગામમાં રવિવાર સવારે રહેણાંક મકાનમાં આગની લાગવાની ઘટના બની હતી. વીજ પ્રવાહ વધી જતાં ઘરમાં રાખેલા ફ્રિજમાં શોર્ટ સર્કિટ થઈ હતી જેના લીધે આગ લાગી ગઈ હતી. આગની જ્વાળાઓ બાદમાં સંપૂર્ણ ઘરમાં ફેલાતા રાચરચીલા સામાન સાથે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ હતી. સદભાગ્યે પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી જાનહાની થઈ ન હતી. એકાએક લાગેલી આગથી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને હાથ લાગ્યા પાત્ર વડે પાણી નાખી આગને કાબુમાં લીધી. બનાવથી મકાન માલિકને મોટું આર્થિક નુકસાન થયું હતું.

આ બાબતે નાની વિરાણી ગામના લાખા ખજૂર રબારીએ વિગતો આપી કે, સવારના 11 વાગ્યાના સમયગાળામાં ગામના મોરી વાસ મધ્યે આવેલા લાખા પાચણ રબારીના મકાનમાં શોર્ટ સર્કિટ થવાથી ફ્રીજ વડે ઘરમાં આગ લાગી ગઈ હતી. ઘટના સમયે મકાન માલિક કામથી બહાર હતા જ્યારે મહિલા બાળકો સાથે ખરીદી કરવા ગયા હતા. આ દરમિયાન આગની ઘટના બનતા તેમાં રહેલી ઘરવખરી બળીને ખાક થઈ હતી. ફક્ત વાસણ બચ્યા હતા. આગને લઈ આસપાસના લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો.