ગીર સોમનાથના ગોરખમઢીમાં વેપારી પિતા-પુત્ર ઉપર સરપંચના પતિ સહિત ત્રણ ઇસમોએ હુમલો કરતા વેપારી આલમમાં રોષ ફેલાયો

image-333
copy image

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણીના મનદુઃખ મુદ્દે સરપંચના પતિ સહિત ત્રણ ઇસમોએ લોખંડનો ધારવાળો સોપારી કાપવાનો સુડો અને લાકડી લઇ ફટાકડાના સ્ટોલ ઉપર બેસેલા વેપારી પિતા-પુત્ર પાસે જઇ કોને પુછીને સ્ટોલ ખોલ્યો છે? તેમ કહી પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરીને માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને ઇજાઓ સાથે હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે વેપારી આલમમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર જીતેન્દ્ર નરોતમદાસ લુકકા ઉ.વ.50 ગોરખમઢી ગામમાં પાણીના અવેડાની બાજુમાં દિવાળીના તહેવાર સબબ ફટાકડાનું વેચાણ કરવા માટેનો સ્ટોલ ઉભો કરેલું હોવાથી ત્યાં રાત્રીના જીતેન્દ્રભાઇ અને તેનો પુત્ર ધ્રૃવ બંને ફટાકડાનું વેચાણ કરી રહ્યાં હતા. એ દરમિયાન સરપંચના પતિ અરવિંદ બીલાભાઈ ઉર્ફે લાખાભાઇ પરમાર હાથમાં સોપારી કાપવા માટે ધારવાળો સુડો લઇને ઘસી આવેલા અને તેની સાથે બીજલ દાસાભાઇ ખુંટડ અને રાહુલ કાનાભાઇ ખુંટડ હાથમાં લાકડી લઇ આવ્યા હતા. એકાદ વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતની ચુંટણી થયેલી તેનું મનદુઃખ રાખીને ત્રણેય ઇસમોએ પિતા-પુત્ર બંનેને કોને પુછીને ફટાકડાનો સ્ટોલ ખોલ્યો છે? મારી મંજૂરી કેમ નથી લીધી? તેમ કહેતા વેપારી પિતા પુત્રએ ફટાકડા વેચાણનું લાયસન્સ બતાવેલું તો તે ફાડી નાખ્યું અને તે ફાડી નાખવાની ના પાડતા તેની સાથે રહેલા બીજલ ખુંટડે તે સરપંચનું અપમાન કેમ કર્યુ તેમ કહી લાકડી વડે માર મારવા લાગેલા અને અરવિંદે સુડો મારવા જતા પુત્ર ધ્રૃવ વચ્ચે પડતા તેના માથાના ભાગમાં લાગ્યું હતુ.

ગંભીર રીતે ઇજા પામેલા પુત્ર ધ્રુવને સારવાર માટે સરકારી હોસ્પીટલે લઈ જવા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવેલા તે દરમિયાન પણ ત્રણેય ઇસમોએ વેપારી પિતા-પુત્ર બંનેને પોલીસ કેસ કર્યો છે. તો હવે તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઉપરોકત માહિતી સાથે વેપારીએ ફરીયાદ દાખલ કરાવતા પોલીસે આઇપીસી કલમ 307, 323, 114, 506(2) તળે ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઇ. ગરચરે હાથ ધરી છે.