અમદાવાદમાં એક જ દિવસે હિટ એન્ડ રનની 3 અલગ અલગ ઘટના: રોડ ક્રોસ કરતી એક વ્યક્તિ સહિત 2ના મોત

image-336

શહેરના જુદા જુદા વિસ્તારમાં એક જ દિવસે હિટ એન્ડ રનની ત્રણ બનાવ બન્યા હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે બે ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. ચાંદખેડા, ગોતા અને કુબેરનગરમાં બનેલી આ ઘટનાઓમાં પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી છે.

ચાંદખેડામાં રહેતા મુકેશગિરી રાત્રે એક્ટિવા લઈને નોકરી પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે એસજી હાઈવે દેવનગર પાટિયા ગોતા પાસે આઈસર ચાલકે ઠોકર મારતા મુકેશગિરીને ગંભીર ઈજા થઈ હતી, જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

ગોતામાં રહેતા સોનુ તેના મિત્ર સૌરભ સાથે સાંજે બાઈક લઈને સોલા ઓવરબ્રિજથી સતાધાર ચાર રસ્તા તરફ જઈ રહ્યાં હતા તે દરમિયાન મમતા કોમ્પલેક્ષ પાસે સિમેન્ટ મીક્ષર ટ્રકે બાઈકને ઠોકર મારી હતી. જેમાં સૌરભનું મૃત્યુ થયું હતું જ્યારે સોનુને ઈજા થઈ હતી.


કુબેરનગર ભગવી સ્કૂલ સામે સુવાલાલની ચાલી પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવકને રિક્ષા ચાલકે ઠોકર મારી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. આ અંગે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.