મોરબીના ઝૂલતા પુલની ઘટના બાદ ભાજપે સ્નેહ મિલન મોકૂફ રાખ્યું, તો કોંગ્રેસની સંકલ્પ યાત્રા આજે યોજાશે

રવિવારે મોરબીના ઝૂલતા પુલની દર્દનાક બનાવ બનતા મોટાભાગના રાજકીય કાર્યક્રમો રદ કરાયા અથવા તો મોકૂફ રાખવામા આવ્યા છે. આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ તેમજ રાપર વિધાનસભાના પેજ સમિતિના સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ રવિવારે મોરબીમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમ હાલ મોકૂફ રાખેલ છે.

કચ્છ જિલ્લા ભાજપની અખબારી યાદીમાં તમામ જિલ્લાના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો, મોરચા અને સેલના પદાધિકારીઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ તેમજ પેજ સમિતિના સભ્યો અને કાર્યકરોને જાણ કરાઈ છે. તો બીજી બાજુ કોંગ્રેસે સોમવાર તારીખ 31 ના મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહની અધ્યક્ષતામાં સંકલ્પ યાત્રા યોજી હતી તે હવે તારીખ 1, નવેમ્બર મંગળવારે આજે યોજાશે. જિલ્લા વ્યાપી પરિવર્તન સંકલ્પ યાત્રાનો પઆરંભ આશાપુરા મંદિર ભુજ મધ્યેથી કરવામાં આવશે જે બાઈક રેલી સ્વરૂપે ભુજના મુખ્ય માર્ગો પરથી થઈને ટાઉનહોલમાં સભામાં ફેરવાશે. દિગ્વિજયસિંહને કર્ણાટકમાં પૂર્વયોજિત કાર્યક્રમ હોવાથી તેમની અનઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રભારી રામકિશન ઓઝા તથા ધારાસભ્ય લલિત કગથરા જોડાશે.