ગળપાદર જેલની સુરક્ષા પર ઉઠ્યા ફરી સવાલ, વધુ 3 મોબાઇલ ઝડપાતા ચકચાર મચી

પૂર્વ કચ્છ જિલ્લાની ગળપાદર જેલ અવાર નવાર વીવાદિત ઘટનાઓને કારણે ચમકતી રહે છે, જેમાં એક દિવસ પૂર્વે ઝડતી ટીમ દ્વારા કેદી પાસેથી સિમ કાર્ડ સાથેનો મોબાઇલ મળ્યા પછી આજે ફરી ગળપાદર જેલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નોઉભા કરે તેવી ઘટના બહાર આવી છે જેમાં લૂંગીમાં વીંટી ફેંકાયેલા સિમકાર્ડ સાથેના ત્રણ મોબાઇલ મળી આવતાં ચકચાર મચી  છે.

આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર, ઇન્ચાર્જ શિસ્ત અને સલામતી જેલર રમેશસિંહ દેવડા તા.31/10 ના રોજ બહારની કોટપાળી પરના ફરજ પર તૈનાત જવાન અજિતસિંહ આર. વાઘેલાએ મેઇન ગેટ પર રૂબરુ આવી ફરજ બજાવતા હવાલદાર રાજેશભાઇ બારિયાને જાણ કરી હતી કે કોઇ અજાણ્યા બાઇક ચાલકે ચાલુ બાઇક પર જેલ અંદર કોઇક વસ્તુ ફેંકવામાં આવી છે. આ જાણ થતાં મેઇન ગેટ અમલદારે સર્કલ અમલદાર ચંદુભાઇ ગોહિલને જાણ કરી.

આ જાણ થયા પછી તપાસ કરી તો જેલના યાર્ડ -1 અને યાર્ડ-2 હાઇ સિક્યુરીટી અને યાર્ડ 33 ની છત પર હવાલદાર વિનોદભાઇ પટેલને કાચા કામના કેદી દાઉદ અલીમામદ જામના લુંગીના ટૂકડાનું પોટલું ખેંચવાના પ્રયત્નમાં ત્રણ સિમકાર્ડ સાથેના મોબાઇલ મળી આવતાં ઇન્ચાર્જ શિસ્ત સલામતી જેલર રમેશસિ઼હ દેવડાએ દાઉદ અલીમામદ જામ અને ચાલુ બાઇક પર મોબાઇલ ફેંકનાર સામે ગુનો એ-ડિવિઝન પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે. અહી ઉલ્લખેખનિય છે કે , ગળપાદર જેલમાં મોબાઇલ મળવાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે ત્યારે જેલની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. સમયાંતરે વિવાદોને કારણે ચર્ચામા઼ રહેતી ગળપાદર જેલમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાય તે અનિવાર્ય બન્યું છે.