કુજાડમાંથી ‘દીકરાનો વરઘોડો કાઢ્યો’ તો મારી નાખવાની ધમકી આપનાર 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

જો ગામમાંથી તારા દીકરાનો વરઘોડો નીકાળ્યો તો એકેયને જીવતા નહીં છોડીએ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપનારા કુજાડ ગામના ચાર શખ્સો સામે કણભા પોલીસમાં ફરિયાદ નોધાઈ છે. કુજાડ ગામ નવા પુલ નજીક રહેતા આશાબેન રણજીતભાઈ ચુનારાના દીકરાના 6 નવેમ્બરના રોજ લગ્ન હોવાથી તેઓના પતિ અને સિંગરવા રહેતો ભત્રીજો અજય ઘરમાં બેસી લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા તે દરમિયાન કુજાડ ગામના ગભીરસિંહ અને વિનાયકભાઈ એક્ટિવા ઉપર હાથમાં ધોકા દંડા લઈ આવેલા અને કોઈકને ફોન કરી કહેવા લાગેલ કે કાળા કપડા પહેરેલો માણસ રણજીત ચુનારાના ઘરમાં બેઠા છે કહેતા જ કુજાડમાં રહેતા સાગર અને અર્જુન લાકડી ધારીયા સાથે આવ્યા હતા.

ચારેય જણે મનફાવે તેમ બોલી કહેવા લાગ્યા હતા કે આ કાળા શર્ટ વાળો ચોર લાગે છે. રણજીતભાઈએ કહ્યું તે ચોર નહીં મારો ભત્રીજો છે આથી ગભીરસિંહ અને વિનાયકે એક્ટિવા રણજીતભાઈ પર ચઢાવ્યું તો રણજીતભાઈ ખસી જતા એક્ટિવા થાંભલા સાથે અથડાતા વિનાયકને લોહી નીક‌ળવા લાગ્યું હતું. આથી ગભીરે ધોકો કાળા શર્ટ વાળા ભત્રીજાને પેટ પર માર્ય અને જતા જતા કહેતા ગયેલા કે જો ગામમાંથી તારા દીકરાનો વરઘોડો નીકાળ્યો તો એકેયને જીવતા નહિ છોડીએ એમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા કણભા પોલીસમાં ગભીરસિંહ, વિનાયકભાઈ, સાગર અને અર્જુન સામે ફરિયાદ નોંધાવી છે.

જોકે ગભીરસિંહ અને અન્ય ત્રણ રણજીતસિંહ ને ત્યાં ગયા તે પહેલા ગભીરસિંહની મમ્મીએ ખેતરમાંથી ગભીરસિંહને ફોન જણાવ્યું કે ખેતરમાં અજાણ્યા માણસો આવેલા છે જેને શોધીને પકડવા નીકળેલા ગભીરસિંહ શોધતા શોધતા રણજીતસિંહને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં બોલાચાલી થતા ગભીરસિંહે રણજીતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી.