કોઠિયાખાડ મંડળીના ચેરમેન-મંત્રીએ રૂ.3.44 લાખ બારોબાર વાપરી નાંખતા ફરિયાદ નોંધાઈ

બોરસદ તાલુકાના કોઠિયાખાડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સેક્રેટરી અને ચેરમેન દ્વારા રૂપિયા 3.44 લાખ બારોબાર વાપરી નાખતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાદરણ પોલીસે ઉચાપત કરનારા સેક્રેટરી અને ચેરમેન સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લા રજિસ્ટાર દ્વારા 1 એપ્રિલ, 2019થી 31મી માર્ચ, 2022ના રોજ ઓડિટ હાથ ધરાયું હતું. આ દરમિયાન ઓડિટમાં રૂપિયા 3.44 લાખની ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું હતું.

આ સમય દરમિયાન, સેક્રેટરી તરીકે કોઠિયાખોડ સ્થિત ઈન્દિરા કોલોનીમાં રહેતા મોહનસિંહ ભગવાનસિંહ પઢીયાર તથા કોઠિયાખોડ મહાદેવ મંદરિની સામે રહેતાં અને મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવતા તખતસિંહ વાઘજી પઢીયારની સંડોવણી સામે આવી હતી. પૂછપરછમાં તેઓએ મેળાપીપણામાં પૈસા અંગત વપરાશમાં વાપરી નાંખ્યા હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે મંડળીમાં ફરજ બજાવતા વાઈસ ચેરમેન હમીરસિંહ પઢીયારે બંને સામે ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.