ભૂજ ખાવડા માર્ગ પરના લોરીયા પાસે ડંપર ટ્રેલર તળે આવી જતાં 7 ભેંસોના મોત, માલધારીને રૂ. 4 લાખનું નુકશાન

કચ્છમાં બેફામ ચાલતા વાહનોના લીધે માર્ગ અકસ્માતની ઘટનાઓ આવીરત બનતી રહેતી હોય છે. બે દિવસ અગાઉ સુરજબારી બ્રિજ પાસે એસટી બસે ઘેટાં બકરાના ધણને હડફેટે લઈ 135 જેટલા અબોલ જીવોને કચડી નાખ્યા હતા. તો આજે ભુજના ખાવડા માર્ગ પર પુરપાટે જતું એક ટ્રેલર આગળ જતાં ભેંસના ધણ ઉપર ફરી વળતા 7 જેટલી કિંમતી ભેંસના ઘટનાસ્થળેજ કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાના કારણે શ્રમજીવી માલધારી પરિવારને આર્થિક નુકશાની થઈ છે અને અંદાજિત રૂ. 4 થી 5 લાખની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. જોકે ટ્રેલર તળે અમુક ભેંસ ફસાઈ જતા હાલ વાહન રસ્તા પર ઉભું રાખી દેવાયું છે. માલધારી દ્વારા પોલીસ ફરિયાદ માટેના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે.

ભુજથી 20 કિલોમીટર દૂર ખાવડા માર્ગ પરના લોરીયા પાસે આજે મંગળવાર સવારે 9 વાગ્યાના સમયગાળામાં આગળ જતાં ભેંસના ઘણ ઉપર ફરી વળ્યું હતું. જેમાં 7 જેટલી ભેંસના ઘટનાસ્થળેજ અરેરાટી ભર્યા મૃત્યુ થયા હતા જ્યારે બેથી ત્રણ ભેંસને ઈજાઓ થઈ હતી. ઘટનાના પગલે ઘડીભર માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો. જોકે આ બનાવમાં સદભાગ્યે માલધારીનો આબાદ બચાવ થયો છે પરંતુ ભેંસના મોત થતા ભારે આર્થિક નુકશાની પહોંચી છે. હાલ પોલીસ ફરિયાદની વાતચીત ચાલુમાં હોવાનું પ્રવાસી સતાજી સમાએ જણાવ્યું હતું