નસવાડીના સોઢલીયા ગામમાં મિત્રો ફરવા નિકળ્યા અને અચાનક અકસ્માત સર્જાતા કાર પલ્ટી જતાં 3ના મોત, 2 ઘાયલ

copy image

છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના સોઢલિયા નજીક ગત મોડી રાત્રે 5 મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા માટે નીકળ્યા હતા. ત્યારે થોડેદૂર જ કાર પલટી ખાઈ જતાં કારમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય 2 લોકોને ઇજા થતાં નસવાડી હોસ્પિટલ મધ્યે ખસેડાયા છે.

નસવાડીથી ગત રાત્રે 5 મિત્રો કાર લઈને મધ્ય પ્રદેશ જવા માટે નીકળ્યા હતા. ત્યારે માંડ 5 કિલોમીટર જ પહોંચ્યા હતા. ત્યારે સોઢલિયા ગામના વળાંક નજીક અચાનક કારના ચાલક નયન ડું.ભિલે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી રસ્તાની બાજુમાં ઉતારી 4-5 પલટી ખાઈ ગઈ હતી. ગાડી પલટી ખાતા જ ચાલક નયન ડું.ભિલને માથાના ભાગમાં તથા શરીર પર ગંભીર ઈજાઓ થવાથી તેમજ મિંક પટેલ અને પાર્થ પટેલને પણ ગંભીર ઈજાઓ થતા ત્રણે જણાના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.

જ્યારે ગાડીમાં સવાર અન્ય ધવલ રાજપૂત અને મિહિર ઉર્ફે સન્ની બારિયાને નાની મોટી ઇજા પહોચતા તેઓને સારવાર માટે નસવાડી સામુહીક આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડાયા છે. નસવાડીના સોંઢલિયા નજીક થયેલ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ મિત્રોના મોતથી નસવાડી નગરમાં શોક છવાયો છે.