જામનગરમાં ભાણેજે માતાના પિયરમાં સંપત્તિમાં ભાગ માંગતા મામા અને પરિવારજનો ઉશ્કેરાઈ જઈ જીવલેણ હુમલો કર્યો

copy image

જામનગરમાં બાઇક પર જમવાનું લેવા જતા એક યુવકને અર્ધ વચ્ચે માર્ગ પર રોકી જીવલેણ હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. યુવકે તેના માતાના પિયરમાં સંપત્તિમાં ભાગ માંગ્યો હતો. જેથી તેના મામા અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા. તેથી 6 લોકોએ છરી-પાઇપ વડે ઘાતક હુમલો કર્યો. જેમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટમાં નાણાંવટી ચોક નજીક નંદનવન સોસાયટીમાં રહેતા હાર્દિક મહેન્દ્ર પંડ્યા નામનો યુવક પોતાની બાઇક લઇને ભોજન લેવા માટે જતો હતો તે દરમિયાન જામનગરના પ્રગતિપાર્ક વિસ્તારમાં છ લોકોએ તેની બાઇક રોકીને ગાંળો ભાડી છરી-પાઇપ વડે પગ, હાથ અને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. હાર્દિક તેના માતાના પિયરની સંપત્તિમાં ભાગ માંગતો હોવાથી મામાને સંપત્તિ આપવી ન પડે તેથી આ ગુનો કર્યો હોવાનું પોલીસ ચોપડે દાખલ કરાયું છે. જે અંગે છ લોકો સામે સીટી-સી ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હાર્દિક પંડ્યા બાઇક પર જમવાનું લેવા જતી વેળાએ આરોપીઓના ઘર પાસેથી નીકળતાં આરોપી સંજયે ગાળો ભાંડી તેમજ અન્ય આરોપીઓ સાથે એકસંપ કરી આ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાનું ફરિયાદમાં જાહેર કરાયું છે. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આ માટે સીટી સી ડિવિઝનના PSI આગળની તપાસ ચલાવી રહ્યા છે.