અંજારમાં રેડીમેડ કપડાના શો રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતાં રૂ. 10 લાખથી વધુનું નુકસાન

copy image

અંજાર શહેરના બાર મીટર રોડ પરની ગંગા બજારમાં આવેલા ન્યુ યશ ફેશન નામના રેડીમેડ કપડાના શો રૂમમાં સાંજે શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. ત્રણ માળના સંકુલમાં સૌથી ઉપરના માળમાં લાગેલી આગ બીજા માળ સુધી ફેલાઈ જતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. બનાવની જાણ તંત્રને કરાતા સુધારાઈ હસ્તકના ફાયર વિભાગ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઇટર દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આગના સમયે દુકાનમાં હાજર 5 થી 6 જેટલા લોકોનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આગના લીધે ફર્નિચર અને તૈયાર વસ્ત્રો ખરાબ થઈ જતા રૂ.10થી 12 લાખનું નુકશાન થયું હોવાનું દુકાન માલિક દિવ્યેશ અતુલકુમાર ભણશાલીએ પોલીસમાં નોંધાવ્યું હતું.

આ અંગે દુકાનના સહ માલિક ભદ્રેશ ભણશાલીએ જણાવ્યું હતું કે આગની ઘટના ગઈકાલના સમી સાંજે બનવા પામી હતી. જેમાં દુકાનના ત્રીજા માળે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી  હતી. જે બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો જેમાં આગ અને પાણીના લીધે દુકાનનું ફર્નિચર તેમજ કપડાં બળી ગયા હતા તો બકીનો માલ પાણીમાં પલળી જતા ખરાબ થયો હતો. જેને લઈ રૂ.10થી 12 લાખની નુકસાની થઈ હતી. બનાવની ફરિયાદ પોલીસમાં દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.