ધોરડોનું સફેદ રણ હજુએ જાણે સરોવર: વરસાદી પાણી નવેમ્બરના અંતમાં સુકાય તેવી શક્યતા સેવાઇ રહી છે

જિલ્લામાં ભારે વરસાદ પછી હજુપણ સફેદ રણમાં વરસાદી પાણી સુકાયા નથી અને નમકાચ્છાદિત અફાટ સફેદ રણ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સુકાય તેવી સંભાવના કરાઇ રહી છે તેમ છતાં પણ તા.26-10, બુધવારથી જ રણમાં તંબુનગરી શરૂ થઇ છે અને હસ્તકળા સહિત ખાણીપીણીની દુકાનો પણ ઉભી કરી દેવામાં આવી છે.વૈશ્વિક પર ચમકેલા ધોરડો સફેદમાં દર વર્ષે નવેમ્બર મહિનાથી રણોત્સવનો આરંભ થતો હોય છે અને અફાટ સફેદ રણ જોવા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી આવતા હોય છે.

જો કે, આ વખતે રણ જોવા આવતા પ્રવાસીઓને હજુ રાહ જોવી પડશે કારણ કે ચોમાસામાં કચ્છમાં પડેલા ભારે વરસાદના લીધે હજુ પણ રણમાં પાણી ભરાયેલા છે. અધુરામાં પૂરું હોય તેમ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પડેલા ધોધમાર વરસાદના પાણી કચ્છના રણમાં આવ્યા હતા, જેના લીધે રણ હજુ સરોવરની જેમ હિલોળા લે છે. ધોરડો સફેદ રણમાં તા.26-10થી 350 ટેન્ટ સાથેની તંબુનગરી શરૂ કરી દેવામાં આવી છે અને તેની અંદર કચ્છની કલાકારીને લગતી વિવિધ વસ્તુઓની દુકાનો તથા ખાણીપીણીની દુકાનો ઉભી કરાઈ છે.

ભુજના મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતએ પણ જણાવ્યું હતું કે, સફેદ રણમાં હજુ પાણી ભરાયેલા છે, જે હજુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સુકાય તેવી સંભાવના છે. ધોરડોના સરપંચ મિયાહુસેનભાઈના જણાવ્યા અનુસાર, રણમાં પાણી સુકાતા હજુ 15થી 20 દિવસ લાગશે, જેથી રણ જોવા માટે આવતા સહેલાણીઓને રાહ જોવી પડશે.