માતા-પુત્રી ઉજ્જૈન દર્શનાર્થે ગયા ને ચોરે ઘરમાંથી 2 લાખની કરી તસ્કરી

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ભોલાવ મધ્યે આવેલી શ્રી વાસુદેવ કો. ઓપરેટીવ સોસાયટીમાં રહેતી મહિલા તેની વૃદ્ધ માતાને લઇ ઉજ્જેન દેવદર્શને ગઇ હતી. દરમિયાનમાં તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરે રોકડા રૂપિયા 2 લાખ તથા સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ તસ્કરી કરી પલાયન થઇ ગયાં હતાં. ચોરીના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસતાં એક ઇસમે ગેલરીમાંથી કુદીને જતો નજરે પડ્યો હતો. ઘટનાને પગલે સી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝાડેશ્વર રોડ પર આંધ્રાબેન્ક પાસે આવેલી શ્રી વાસુદેવ કો. ઓપરેટીવ સોસાયટીમાં રહેતી અને પાનોલીની જે. બી. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ મધ્યે રહેતાં દર્શાબેન સુરેશ દેસાઇ તેમની માતા સાથે સવારે કારમાં ડ્રાઇવર સાથે ઉજ્જેન ઓમકારેશ્વર મહાદેવ મંદિરે દેવદર્શન કરવા માટે ગયા઼ હતાં. આ દરમિયાનમાં તેમના પાડોશી કશ્યપ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે, તેમના ઘરનો પાછળનો દરવાજો તુટેલો હોવાનું જણાય છે. જેથી તેઓ પાછા ભરૂચ આવવા માટે રવાના થયાં હતાં.

તેઓ ઘરે પહોંચી તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, તેમના દરવાજાની ગ્રીલનું તાળું તુટેલું હતું અને દરવાજાને કાણુ પાડી અંદરનો નકુચો ખોલી ચોર ઘરમાં પ્રવેશ્યો હતો. ચોરે તેમના ઘરમાં તમામ સામાન વેરવિખેર કરી કપાટમાં મુકેલી 2 લાખ રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણા તથા દસ્તાવેજો ચોરી તસ્કરો પલાયન થઇ ગયાં હતાં. આ અંગે પોલીસે તપાસ કરતાં એક સ્થળના સીસીટીવી ફૂટેજમાં એક તસ્કરી કરી ભાગતો હોવાનું જણાઈ આવ્યું હતું. આ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે કાર્યવાહી કરી હતી.