કરોડિયા ગામમાં પાણી મામલે વકીલ તથા તેમની પત્ની પર કરાયો હુમલો

કરોડિયા ગામ દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા યુવક ફટાકડા ફોડતો હતો ત્યારે બાજુમાં રહેતા વકીલના ઘરમાં તણખો પડતાં સામાન્ય આગ લાગી ગઈ હતી. જેથી વકીલે આગ ઓલવવાનો પ્રયત્ન કરતાં તેના પર પાણી રેડતાં રોડ પર ગયું જેને પગલે ફટાકડા ફોડનાર પાડોશી સાથે ઝઘડો થતાં મારામારી થઈ ગઈ હતી.

પાડોશીએ વકીલને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપતાં તેમનાં પત્નીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર કરોડિયા ગામમાં આવેલી દ્વારકેશ રેસિડેન્સીમાં રહેતા વકીલ રાહુલ ભટ્ટનો દીકરો ધ્રુવ સાંજના સમયમાં તેમના મકાનની બહાર ફટાકડા ફોડી રહ્યો તે દરમિયાન તેની સાથે પાડોશમાં રહેતા વિનોદસિંહ રાઠોડનો દીકરો સન્ની પણ ફટાકડા ફોડતો હતો. આ દરમિયાન સન્નીએ સૂતળી બોમ્બ ફોડતાં તેનો તણખો રાહુલભાઈના કમ્પાઉન્ડમાં પડ્યો હતો, જેના લીધે છોડવામાં સામાન્ય આગ લાગી ગઈ હતી. રાહુલભાઈએ આગ બુઝાવવા ત્યાં પાણી રેડતાં તે રોડ પર ગયું હતું.

જેને લીધે વિનોદસિંહ રાહુલભાઈને અપશબ્દો બોલવા માંડ્યો હતો. રાત્રીના 9 વાગ્યે વિનોદસિંહ, તેમનો દીકરો સન્ની અને 2 વ્યક્તિઓ રાહુલભાઈના ઘરે પહોંચ્યા હતા અને તેમની પત્ની દક્ષાબેનના વાળ પકડીને તેમજ રાહુલ ભટ્ટને પણ માર માર્યો હતો. તેમણે વકીલને ધમકી આપી હતી કે, મકાન ખાલી કરીને જતો રહે નહીં તો તારા આખા પરિવારને પતાવી નાખીશ. આ ઘટના અંગે દક્ષાબેન દ્વારા વિનોદસિંહ રાઠોડ, તેના દીકરા સન્ની અને 2 અજાણ્યા ઈસમ સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.