ધ્રાંગધ્રાના વાવડી ગામમાં જમીન બાબતે 2 પરિવાર વચ્ચે મારામારી થતાં 10 ઘાયલ

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં એક જ જમીન બાબતે પરિવારો વચ્ચે ધારિયા,પાઈપ અને ધોકાથી મારામારી થઇ હતી. જેમાં બંને જૂથના કુલ 10 વ્યક્તિને ઈજા પહોચી હતી. તમામને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટમાં લઈ જવાયા હતા. આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા સામસામી ફરિયાદો દાખલ કરવામાં આવતા 8 મહિલા સહિત કુલ 20 લોકો સામે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં અરજણ વાલાભાઈ, કાનાભાઈ વાલાભાઈ, દલાભાઈ વાલાભાઈ, રામજીભાઈ વાલાભાઈ અને સ્વ.ભીમાભાઈ વાલાભાઈના પરિવારો રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં વાલીબેન ભીમાભાઈ પરમારે દાખલ કરાવેલ ફરીયાદમાં જણાવ્યુ છે કે, વાવડી ગામની સીમમાં તેમના અને તેમના જેઠના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. જેમાં ખેતર વચ્ચે તાર બાંધવા મામલે કાનાભાઈ વાલાભાઈ અને રામાભાઈ વાલાભાઈએ ગાળો દઈને પથ્થરના છુટ્ટા ઘા કર્યા હતા.

ત્યારબાદ અન્યોએ પાવડા, ધારિયા તથા ધોકાથી હુમલો કરી દલાભાઈ, વિનોદ, અરજણ વાલાભાઈને ઈજા પહોચાડી હતી. દલાભાઈને માથામાં ઈજા પહોચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે કાનાભાઈ વાલાભાઈ, રામાભાઈ વાલાભાઈ તેમના દીકરાઓ કિશનભાઈ, દિપકભાઈ, લવજીભાઈ, ગૌરીબેન, પારૂલબેન, ચંદ્રીકાબેન, હંસાબેન, કંકુબેન સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.