દહેગામનાં ઈસનપુર મધ્યે નીલગાય રસ્તામાં આવી જતાં બાઈક પરથી મહિલા રોડ પર પટકાઈ, ગંભીર ઈજા થતાં મોત નીપજયું

copy image

દહેગામના ઈસનપુર ડોડીયા ગામની સીમમાં રસ્તામાં અચાનક જ નીલગાય દોડી આવી હતી. જેનાં લીધે બાઈક ચાલકને અચાનક બ્રેક મારવાની ફરજ પડતાં બાઈક પરથી મહિલા નીચે પડી હતી. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ વિષે પોલીસે ગુનો ડાકખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દહેગામ તાલુકાના ઇસનપુર ડોડીયા ગામ રહેતાં વખતસિંહ સોલંકીએ દાખલ કરાવેલ ફરિયાદ અનુસાર, તેમના બહેન અમરતબેન તથા બનેવી દિલીપસિંહ કાળુસિંહ ઝાલા (રહે જળાવત ગામ, મહેમદાબાદ, ખેડા) તેમના ઘરે આવ્યાં હતા અને બપોરના સમયમાં પાછા ઘરે જવા માટે રવાના થયા હતા. ત્યારે બપોરના પોણા ત્રણેક વાગે બનેવી દિલીપસિંહ કાળુસિંહ ઝાલાએ ફોન કરીને જાણ કરી હતી કે, ઇસનપુર ડોડીયાથી બહિયલ જતા રોડ ઉપર બારોટના કુવા પાસે અમરતબેન બાઈક પરથી નીચે પડી ગયા છે.
આ સાંભળીને વખતસિંહ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં તેમના બહેન અમરતબેન બેહોશ અવસ્થામાં હતા. જેથી તેઓને 108 એમ્બ્યુલન્સ વડે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અમરતબેનનું મૃત્યુ થયું હતું. આ અંગે વધુ પૂછતાછ કરતાં બનેવી દિલીપસિંહે જણાવેલું કે, ઇસનપુર ડોડીયાથી બહિયલ વચ્ચે બારોટના કુવા નજીક પહોંચેલ ત્યારે નીલ ગાય ખેતરમાંથી રોડ ઉપર આવી ગઈ હતી.
​​​​​​​​​​​​​​જેનાં લીધે બાઈકને બ્રેક મારીને રોકી હતી. પછી અચાનક રેસ આપતાં જાટકો વાગતા પાછળ બેઠેલ અમરતબેન નીચે પડી ગયા હતા. તેમનાં કાનમાંથી લોહી નીકળવા માંડ્યુ હતું. આ વિષે દહેગામ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.