કલાર્કની નોકરી આપવાના બહાને યુવક સાથે 75 હજારની છેતરપીંડી કરાતા ફરિયાદ નોંધાઈ

સાવરકુંડલામા રહેતા એક ફ્રુટનો ધંધો કરતા એક વ્યકિતના પુત્રને કલાર્કની નોકરી અપાવી દેવાના બહાનાથી અહી જ રહેતા એક ઇસમે તેની સાથે 75 હજારની છેતરપીંડી આચરતા તેણે આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી છે.

અહીના આઝાદ ચોક ઓડવાળા નદી કાંઠે રહેતા યુસુફભાઇ ઉર્ફે ગાંધી મહમદહુસેન કાલવા (ઉ.વ.48) નામના યુવાને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમા દાખલ કરાવેલ ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ફ્રુટની લારી ચલાવી વેપાર ધંધો કરે છે. તેનો પુત્ર નવાઝ ધોરણ 10 સુધી ભણ્યો છે. તેના મિત્ર અસરફભાઇ ઉર્ફે ચીંગારી રફિકભાઇ કુરેશીએ તેને કહેલ કે તારા પુત્રને સાવરકુંડલા મામલતદાર કચેરીમા કલાર્ક તરીકે નોકરી અપાવી દઇશ.

ત્યારબાદ અસરફભાઇએ કહેલ કે તારે 75 હજાર રૂપિયા આપવા પડશે. યુસુફભાઇએ તેના પુત્ર નવાઝના ડોકયુમેન્ટ આપી દીધા હતા અને બાદમા કટકે કટકે અસરફ તેની પાસેથી કુલ રૂપિયા 75 હજાર લઇ લીધા હતા. પુત્રનો નોકરીનો ઓર્ડર કયારે આવશે તેની પુછપરછ કરતા અસરફ ગોળગોળ જવાબો આપી દેતો હતો. પછી તેણે કહેલ કે તારા પુત્રને નોકરી નહી મળે કહી છેતરપીંડી કરી હતી. ઘટના અંગે પીએસઆઇ આર.એલ.રાઠોડ આગળની તપાસ કરી રહ્યાં છે.