બે તબક્કામાં થશે ગુજરાત વિધાનસભાની ચુંટણી, 1 અને 5 ડીસેમ્બરે થશે મતદાન.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન થશે. જણાવી ઇએ કે ચૂંટણી પંચે હિમાચલ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાતમાં વિલંબ કેમ થયો તેની ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે ચૂંટણી પંચ મતદાનની તારીખોની જાહેરાતમાં વિલંબ કરી રહ્યું હોવાના આક્ષેપો થયા હતા. હવે આ અંગે ચૂંટણી પંચે ખુલાસો કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “તાજેતરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને કારણે તારીખોની જાહેરાતમાં વિલંબ થયો છે. ગઈકાલે રાજ્યમાં શોક પણ હતો.”

હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. વિધાનસભાની 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે હિમાચલ પ્રદેશની સાથે 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં નામાંકન ભરવાની પ્રક્રિયા 5 નવેમ્બરથી શરૂ થશે અને 14 નવેમ્બરે સમાપ્ત થશે. બીજા તબક્કા માટે 10 થી 17 નવેમ્બર સુધી નામાંકન દાખલ કરી શકાશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 21 નવેમ્બર છે.
ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે ગુજરાત ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી ન હતી. ન કમિશને 14 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી, જે 12 નવેમ્બરે એક જ તબક્કામાં યોજાશે અને બંને રાજ્યોમાં 8 ડિસેમ્બરે મતગણતરી થશે.