કચ્છના બેન્ક કર્મચારીઓ દ્વ્રારા 19મીએ પડતર પ્રશ્ન મામલે ફરી હડતાળ પર ઉતરવાનું એલાન કરાયું

પડતર પ્રશ્ને કચ્છના બેન્ક કર્મચારીઓ ફરી તા.19-11ના હડતાળ પર ઉતરશે, જેના પગલે શનિ, રવિ બે દિવસ બેન્કિંગ વ્યવહાર ખોરવાશે તથા હડતાળના આયોજનને લઇને તા.6-11ના ભુજમાં બેન્ક કર્મીઓની બેઠક મળશે. ઓલ ઇન્ડિયા બેન્ક એસોસિયેશને તા.19-11-22ના હડતાળનું એલાન કર્યું છે.

મજૂર સંગઠનોના હક્કો પર હુમલા તથા અધિકાર, નોકરીની સુરક્ષા પર ભયભીત કરવાની સરકાર અને બેન્કના સંચાલકોની મેલી મુરાદનો વિરોધ, દ્વિપક્ષીય કરાર અને ઔદ્યોગિક વિવાદ કાયદાનું ઉલ્લંઘન, દ્વિપક્ષીય કરારનું ઉલ્લંઘન તથા આડેધડ બદલીનો વિરોધ, કર્મચારીઓના શોષણનો વિરોધ, કેથોલીક સીરીયન બેન્કમાં પગાર સુધારાની અમલવારીના નકારાત્મક વલણનો વિરોધ તેમજ દ્વિપક્ષીય સમાધાનની પવિત્રતા જાળવવાની માંગ સાથે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન કચ્છ યુનિટના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે.

તા.19-11ના શનિવાર અને બીજા દિવસે તા.20-11ના રવિવાર હોવાટી સતત બે દિવસ બેન્કિંગ વ્યવહાર ખોરવાશે. હડતાળને લઇને તા.6-11, રવિવારના સવારે 10.30 કલાકે ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ રોટરી હોલ મધ્યે બેઠક યોજાશે, જેમાં ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન પ્રમુખ નરેન્દ્ર દવે, મહામંત્રી કે.પી. અંતાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કચ્છ યુનિયનના મંત્રી અશોક ભટ્ટ, રિતેષ શાહ અને કૈલાશ કુકડિયા દ્વારા જિલ્લાના તમામ બેન્ક કર્મીઓને બેઠકમાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.