શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત બે જણે કૃષ્ણાજી પુલ બંધ કરવા અંગે ચીફ ઓફિસરને ધમકાવતાં પોલીસે બંનેની કરી ધરપકડ

એક તરફ ચૂંટણી કમિશનરે ગુરુવારે બપોરે ચૂંટણીની તારીખ જાહેર કરી અને બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ ચેમ્બરમાં ઘૂસી જઈને ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની ફરજમાં રૂકાવટ પેદા કરી. જે આક્ષેપો સાથે મુખ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચીફ ઓફિસર જીગર પટેલે ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવી તથા કોંગ્રેસ નેતા અમિશ મહેતા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર આ કોંગ્રેસી આગેવાનોએ કૃષ્ણાજી પુલ બંધ કરવા મામલે અને રોડ ડિવાઈડર તોડવા અંગે ફરિયાદી ચીફ ઓફિસર સાથે ઊંચા અવાજથી રજુઆત કરી સતા બહારની કામગીરી કરવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદીને અપશબ્દો કહી બહાર નીકળશો તો જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. જેથી સરકારી ફરજમાં રુકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે બંનેની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.આગળની તપાસ પીએસઆઈ એ.પી.વાઘેલાને સોંપાઇ છે.

સૂત્રોનાજણાવ્યા અનુસાર, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી, અમીષ મહેતા સહિતના કાર્યકરો મુખ્ય અધિકારીની ચેમ્બરમાં ગયા ત્યારે તેમણે પૂર્વે કરેલી વોટર ટેન્કર સહિતની રજુઆતો બાબતે તપાસ કેટલી પહોંચી અને પ્રગતિ અહેવાલ અંગે ઉગ્ર બોલાચાલી કરી હતી.

જે બાબતે મુખ્ય અધિકારીએ તેમને પ્રત્યુત્તર આપ્યા પછી વ્યસ્તતાને લીધે તેઓ વધુ સમય આપવા માંગતા ન હતા. પરંતુ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોએ મુખ્ય અધિકારીની પરવાનગી વગર તેમની ચેમ્બરમાં બેઠક જમાવી રાખતા તેઓ પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે અને ફરી બહાર નીકળ્યા ત્યારે પણ તેમના વાહન સુધી તેમની પરવાનગી વિના ઉગ્ર રજુઆત ચાલુ રખાઈ હતી.

બીજી બાજુ પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ વડા એસ.સી. અને એસ.ટી. વિભાગ તેમજ એ ડિવિઝન પોલીસ પી.આઈ.ને કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં માનદ સેવા આપતા કાર્યાલય મંત્રી ધીરજ ગરવાએ 3જી નવેમ્બરે ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે જાતિ અપમાનિત કરી, હડધૂત કરવાની અનુસૂચિત જાતિ અત્યાચાર અધિનિયમ તળે ગુન્હો નોંધવા લેખિત અરજ કરી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ભુજ નગરપાલિકામાં સાંજે મુખ્ય અધિકારી અને સાક્ષી સહિતના નિવેદન લેવા માટે પોલીસ આવી હતી. તો ભુજ પાલિકામાં સી.સી. ટી.વી. કેમેરા છે જે ચકાસવામાં આવે તો કયા પક્ષે શું શું થયું એ સ્પષ્ટ થઈ જાય.