નખત્રાણાના સાંયરા ગામમાં રેતી ચોરતા 3 ટ્રેકટર તથા લોડર કબ્જે

copy image

નખત્રાણા તાલુકાના સાંયરા ગામમાં લાંબા સમયથી રેતી ચોરી થતી હોવાની ફરિયાદ પ્રાંત અધિકારી સામે જતા તેઓએ મામલતદારને કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.જે અન્વયે નખત્રાણા મામલતદાર એફ.ડી.ચૌધરીએ સપાટો બોલાવીને આ રીતે તસ્કરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને ત્રણ ટ્રેક્ટર અને લોડર સહિતનો મુદ્દામાલ જપ્ત કરતા ખનીજચોરોમાં સોંપો પડ્યો હતો. સાયરા સીમમાં આવેલા ધ્રબડ તળાવમાંથી રેતીચોરી કરાઇ હોવાની ફરિયાદના આધારે રેડ કરવામાં આવી હતી.

તળાવમાંથી લોડરની મદદથી રેતી ઉસેડી ટ્રેક્ટરમાં ભરાઈ હતી એ દરમિયાન જ મામલતદાર એફ.ડી.ચૌધરીએ રેડ પાડતા આ સ્થળેથી કલાભાઈ સાંગાભાઈ રબારીના કબજામાંથી અઢી લાખનું લોડર નંબર જીજે14ડી 6124 વાળુ જપ્ત કરાયું છે.જ્યારે પાલા રવાભાઈ રબારીના કબજામાંથી ટ્રેકટર નંબર જીજે 12 ડીજી 8169 તથા રાયમા હમીદ અબ્દુલ્લાના કબજામાંથી ટ્રેકટર ટ્રોલી નંબર જીજે 9 બી 9483 અને જત આમદ ઈસ્માઈલના કબજામાંથી ટ્રેક્ટર ટોલી નંબર જીજે 12 ડીએમ 1518 વાળું જપ્ત કરાયું છે. ટ્રેક્ટર ટ્રોલીની કિંમત 3.50 લાખ આંકવામાં આવી છે કુલ 13 લાખના વાહનો મામલતદાર દ્વારા જપ્ત કરીને નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સિઝ કરીને રાખવામા આવ્યા છે.

મામલતદાર ચૌધરીએ જણાવ્યું કે,બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.ચાલકો પાસે રેતીના કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા.પ્રાથમિક પૂછપરછમાં તેઓ એક સ્થળેથી બીજા સ્થળે રેતીનું સ્થળાંતર કરતા હોવાનું જણાવી રહ્યા છે.અલબત્ત આગળની કાર્યવાહી માટે વાહનો નખત્રાણા પોલીસ સ્ટેશન મધ્યે રાખી ભુજ ખાણ ખનીજ અધિકારીને આગળની કાર્યવાહી કરવા માટે પત્ર લખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.