બોરસદમાં 2 કરોડના દારૂ-બિયરનો નાશ કરતા સમયે જ જથ્થામાં આગ ભભૂકી ઉઠી

copy image

પેટલાદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશનમાં સવારે બોરસદ નીસરાયા માર્ગ ઉપર આવેલાં રેલવે સ્ટેશન પાસે ક્વાર્ટર પાસેની ખુલ્લી જગ્યામાં છેલ્લાં અઢી વર્ષ દરમિયાન ઝડપાયેલા બે કરોડથી વધુ વિદેશી દારૂ-બિયરના જથ્થાનો બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો. નાશ કરતી વેળાએ જ અચાનક જથ્થામાં આગ લાગી હતી. જે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘાટનામાં પાસે ઊભી રહેલી એક ટેમ્પી સળગીને ખાખ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગ લાગવા પાછળનું કારણ ગેસ કે પછી કેમિકલયુક્ત દારૂ-બિયરને મનાઈ રહ્યું છે. આ અંગેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતાં તુરંત જ ફાયર ફાયટરો સ્થળ પર પહોંચી ગયા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આગ કેમિકલને લીધે લાગી હોવાટી તેના પર પાણીની કોઈ અસર જોવા મળતી હતી નહિ. ત્રણથી વધુ બંબા પાણીનો મારો ચલાવ્યા પછી આખરે છ કલાક પછી આગ કાબુમાં આવી હતી. નોંધનીય છે કે, પેટલાદ ડિવિઝનના સાત પોલીસ સ્ટેશન બોરસદ ટાઉન, બોરસદ ગ્રામ્ય, ભાદરણ, આંકલાવ, પેટલાદ ટાઉન, પેટલાદ ગ્રામ્ય અને મહેળાવ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા 263 ગુનામાં કુલ 2.82 લાખની કિંમતનો કુલ 1,07,010 નંગ બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો.

રેલવે સ્ટેશન પાસે વિદેશી દારૂનો નાશ કરવામાં આવનાર હોવાટી મોટી સંખ્યામાં ટોળા એકત્ર થયા હતા. જેમાં કેટલાંક શખ્સો ખોખા ખાલી કરતા સમયે ખોખામાં કેટલીક બોટલો રાખી ઝાંડી ઝાંખરા તરફ નાખતા હતા. આ દરમિયાન પોલીસ પણ ત્યાં હાજર હતી. આટલી બધી પોલીસ હોવા છતાં બોટલોને કઢાઈ હતી. આ અંગે પોલીસનું ધ્યાન દોરવામાં આવતા પોલીસે લોકોને સ્થળ પરથી ખસેડી દીધા હતા. ચર્ચા મુજબ કેટલીક દારૂની બોટલોની પોલીસની હાજરીમાં જ ચોરી થઇ હતી અને પોલીસ જોઈ રહી હતી.