રાજપીપળામાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં લઈ આવવામાં આવતો દારૂ પોલીસે ઝડપ્યો:1 આરોપી ઝડપાયો, 1 વોન્ટેડ

મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યોને જોડતી સાગબારા બોર્ડર પર નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા કડક ચેકીંગ અને વોચ રાખવાની સૂચના આપવામાં આવી હતી. સાથે જિલ્લામાં આવા દુષણને ડામી, પરિણામ લક્ષી કામગીરી કરવાના હુકમ કરતા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબીશન અને જુગારને નિસ્તનાબુદ કરવા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આગામી વિધાનસભા ચુંટણી અન્વયે પોસ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ અને સઘન વાહન ચેકિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. પટેલનાઓ તેમજ સાગબારા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ રહેતો હોય છે.
સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધવલીવેર ગામ નજીક ચોક્કસ બાતમી આધારે ચેકીંગ દરમિયાન ઇકો ગાડી પાછળની સીટ નીચે તેમજ ગાડીની બોડીના નીચેના ભાગમાં ચોર ખાના બનાવી તેમાં છુપાવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ઇમ્પીરીયલ બ્લ્યુ કંપનીના હોલ તેમજ ટ્યુબર્ગ કંપનીના બીયર ટીન મળી કુલ બોટલો નંગ-154 કિંમત રૂ. 26 હજાર 900નો પ્રોહી મુદ્દામાલ અને ઇકો ગાડી તથા મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂ. 3 લાખ 26 હજાર 900ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી તપાસના ચક્રો ગતીમાન કરાયા છે. ગાડી લઈને સાગબારાના નેવડીઆંબા ગામનો જાવલા સંકર વસાવા ગાડી મૂકીને નાસી ગયો હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સાગબારા બક્તુરા ગામનો રમેશ રતું વસાવાને ઝડપી પાડી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે.