પાલિકાના ઉપપ્રમુખની કારને ખાનગી બસે ટક્કર મારતા ખાડામાં ખાબકી,સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી

copy image

ગાંધીધામ પાસે બીએસએફ કેમ્પ સામે પૂરપાટ જઇ રહેલા ટ્રાવેલ્સની બસના ચાલકે આગળ જઇ રહેલા નગરપાલિકાના ઉપપ્રમુખની કારને ઠોકર મારતાં ખાડામાં ખાબકી હતી, સદ્દભાગ્યે તેમનો બચાવ થયો હતો પણ બસનો ચાલક આ ઘટના પછી ઉભો પણ રહ્યો હતો નહિ.

આદિપુરના વોર્ડ-3/એમાં રહેતા અને ગાંધીધામ નગરપાલિકાના ઉપપ્રમુખ 53 વર્ષીય બળવંતભાઇ છગનલાલ ઠક્કર ગત બપોરે પોણા ચાર વાગ્યાના સમયગાળામાં એરપોર્ટ ચોકડીથી પોતાની ક્રેટા કારમાં ઘરે પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન બીએસએફ કેમ્પ પાસે પાછળથી પૂર પાટે ધસી આવેલા પટેલ ટ્રાવેલ્સની બસના ચાલકે તેમની કારને ઠોકર મારતાં કાર ખાડામાં ખાબકી ગઇ હતી. ઠોકર મારી બસ ચાલક ઉભો રહેવાને બદલે ભાગી ગયો હતો.

આ ઘટનામાં સદ્દભાગ્યે ઇજા પણ ન પહોંચતાં બળવંતભાઇનો બચાવ થયો હતો પરંતુ મોંઘી કારની ડેકી, બમ્પર, કાચ અને સાઇડ લાઇટો તૂટી જવાને કારણે રૂ.1,00,000 નું નુકશાન થયું હતું. તેમણે અકસ્માત સર્જી ભાગી ગયેલા પટેલ ટ્રાવેલ્સની બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.