સરથાણામાં દુકાનમાં રોકાણ કરવામાં અમદાવાદનાં વેપારીએ 80 લાખ ગુમાવ્યા

અમદાવાદમાં રહેતા કેમિકલના વેપારીએ સુરતમાં સરથાણા ખાતે દુકાનમાં રોકાણ કરવામાં 80 લાખની રકમ ગુમાવી. આ અંગે કેમિકલના વેપારી સુરેશભાઈ પટેલે સરથાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ખુશાલ જેતુ ધાધલ(રહે.તળાવીયા શેરી, સાવરકુંડલા, અમરેલી), મનોજ કાળુ નવાપડીયા, ચંદ્રેશ કાળુ નવાપડીયા(બન્ને રહે.બાલાજી બંગ્લોઝ,યોગીચોક,સરથાણા) અને દકુ ધાધલ સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. હાલમાં ખુશાલ ધાધલને પોલીસે પકડી પાડી ધરપકડની તજવીજ શરૂ કરી છે.

કેમિકલના વેપારી સુરેશ પટેલની વર્ષ 2019માં મનોજ સાથે ઓળખાણ થઈ હતી. તે વખતે મનોજ અને તેના ભાઈ ચંદ્રેશ સરથાણામાં સુવિધા(સીમાડા) કો.ઓ.હા.સો.લી પ્લોટ નં-B માં મંગલમૂર્તિ કોમ્પલેક્ષનું આયોજન કર્યુ હતું. આ મિલકતમાં વેપારીએ 80 લાખની દુકાનની ખરીદી કરી હતી. પછી મનોજ અને ચંદ્રેશે દકુ સાથે ઓળખાણ કરાવી હતી. પછી દકુના કહેવાથી ખુશાલ જેતુ ધાધલે વેપારીને દુકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. 80 લાખની રકમ ચુકવી દીધા પછી BUC અને વીજકનેકશન કમ્પ્લીટ કરી કબજો આપવાનો હતો. પરંતુ BUC અને વીજકનેકશન કમ્પલીટ ન કરી દુકાનનો કબજો આપ્યો ન હતો.