બોપલમાં ગટરના ઢાંકણાને લીધે એક્ટિવા સ્લિપ થઈ જતાં ફૂડ ડિલિવરી કરવા જતાં બોયનું મોત નીપજયું

બોપલમાં ફૂડની ડિલિવરી કરવા એક્ટિવા લઈને જઈ રહેલા ડિલિવરી બોયનું એક્ટિવા ઉમિયામાતાના મંદિર નજીક સ્લિપ થતા તેને ગંભીર ઈજા થઈ હતી. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર પછી યુવકનું મૃત્યુ થયું હતું. આ અંગે બોપલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મેઘાણીનગરમાં રહેતો 36 વર્ષીય વિશાલ શર્મા ઝોમેટો કંપનીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સાંજના સમયે અખબારનગર મધ્યે આવેલ ચોઈસ સ્નેક્સમાંથી ઓર્ડર પ્રમાણેનું ફૂડ લઈને બોપલ મધ્યે ઓર્ડર આપવા માટે એક્ટિવા લઈને જતો હતો તે દરમિયાન બોપલ ઉમિયામાતાના મંદિર નજીક પહોંચ્યો ત્યારે રસ્તા પરના ગટરના ઢાંકણાને લીધે તેનું એક્ટિવા સ્લિપ થઈ ગયું અને વિશાલ નીચે પટકાઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓના લીધે વિશાલ બેહોશ થઈ ગયો હતો.
આ દરમિયાન આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી અપાયો હતો. જો કે ચાર દિવસની સારવાર પછી ફરજ પરના તબીબે વિશાલ શર્માને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગેની જાણ બોપલ પોલીસને થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો અને ગુનો દાખલ કરી આ અકસ્માતમાં વધુ તપાસ હાથ ધરી છે.