કોસંબામાં માત્ર કાગળ પર જ ગટરલાઇન બનાવી 2.50 લાખનો ભ્રષ્ટાચાર

copy image

કોસંબા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ પદાધિકારીઓએ માત્ર કાગળ પર ગટરલાઈન બનાવીને તેના નાણાં તાલુકા વિકાસ અધિકારી માંગરોળ કચેરીના અધિકારીઓ અને એજન્સી પાસે ભેગા મળીને 2.50 લાખથી વધુની રકમનો ભ્રષ્ટ્રાચાર આચર્યો. જે અંગે કોસંબાના જાગૃત નાગરિક દ્વારા રાઈટ ટુ ઈન્ફોમેશનમાં થયેલા ખુલાસા બાદ કોસંબા ગ્રામપંચાયત ભૂતપૂર્વ પદાધિકારીઓ અને અધિકારીઓ સામે એન્ટીકરપ્સનમાં કાર્યવાહી કરવા માટે ફરિયાદ કરી છે.

કોસંબા ગ્રામ પંચાયતના ભૂતપૂર્વ બોડી દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટ્રાચારના કામો ધીમેધીમે બહાર આવી રહ્યાં છે. 2020-21 દરમિયાન કોસંબા ગ્રામ પંચાયતના સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા કોસંબા સરકારી દવાખાનાથી આશીર્વાદ હોસ્પિટલ સુધી ગટરલાઈનનું કામ નાણાપંચની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી કરાવી તેના એજન્સીના માધ્યમથી અને આ કામની ચકાસણી તાલુકા વિકાસ અધિકારીની કચેરીના અધિકારીઓ મારફત કરાવી 2,54,700 રૂપિયાની ફાળવણી હાર્દિક ઢોળિયા નામના શખ્સના ખાતામાં કરાવી હતી.

તાજેતરમાં કોસંબાના જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર હેઠળ કેટલીક માહિતીઓ કોસંબા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વિકાસના કામો અંગે માંગી હતી. જેમાં ઉપરોક્ત કામ અંગે કુલ 2,54,700ની ગટરલાઈનના રૂપિયા ફાળવી દીધા હોવાનું અને તે રૂપિયા એજન્સી દ્વારા ઉપાડી લીધા હોવાનું જણાય આવ્યું હતું.

જેથી આ કામ અંગે સ્થળ તપાસ કરતાં સરકારી દવાખાનાથી આશીર્વાદ હોસ્પિટલ સુધી ગટરલાઈનનું કામ થયું છે કે કેમ તે અંગેની તપાસ કરતાં સ્થળ ઉપર કોઈપણ પ્રકારનું ગટરલાઈનનું કામ થયું ન હોવાનું દેખાય આવ્યું હતું. સરકારી દવાખાના નજીક ખુલ્લામાં ગટરલાઈનના ભૂંગળા મળી આવ્યા હતાં.

જેથી જાગૃત નાગરિકે પહેલા માંગરોળ તાલુકા વિકાસ અધિકારીને આ ભ્રષ્ટ્રાચાર અંગે લેખિત ફરિયાદ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારબાદ તેણે સુરત જિલ્લા એન્ટીકરપ્સન બ્યુરો પોલીસ સ્ટેશન ખાતે માજી સરપંચ, ઉપસરપંચ જે તે વખતના તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ કચેરીના વિકાસના કામના તપાસ અધિકારી, એજન્સી કે જેના ખાતામાં સરકારી રૂપિયા જમા થયા હોય તે હાર્દિક નામના શખ્સ સહિત પાંચે વિરુદ્ધ ભ્રષ્ટ્રાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ કરવાની માંગણી કરી છે.