રૂદેલ સિદ્ધિવિનાયક મંદિરમાંથી ચોરી કરનારા 3 આરોપીઓ પકડાયા

બોરસદના રૂદેલ સિદ્ધિવિનાયક મંદિરમાંથી તસ્કરી કરનારા ખંભાતના બે સહિત ત્રણ ઇસમોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી લીધા હતા. ત્રણેય આરોપીઓ આજુબાજુના ગામમાં તસ્કરી કરવાની જગ્યા જોવા માટે ભેગા થતાં જ પોલીસે પકડી પાડ્યા હતા.

બોરસદની એક ચાની દુકાન પર ત્રણ શખ્સો ભેગા મળી ચોરીની જગ્યા જોવા ભેગા થયા હતા. જોક, પોલીસને બાતમી મળતાં જ પોલીસે ત્રણેયને કોર્ડન કરી પકડી પાડી પૂછપરછ કરતાં તેઓ ચોરીમાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું હતું. તેમના નામ-ઠામની પૂછપરછ કરતાં વિપુલ મંગા ભૂરિયા (રહે. ચિલકોટ, લીમખેડા), મનુ ભૂપત ચૌહાણ, હરેશ મનુ ચૌહાણ (બંને રહે. જહાજ, ખંભાત) હોવાનું ખૂલ્યું હતું. તેમજ તેમની સાથે ચોરીમાં હિમસિંઘ ઉર્ફે કટલો મોહનીયા, મોજી મકના મંડોડ, માલો મકવાણા, અને કાંજુભાઈ (તમામ રહે. દાહોદ) હોવાનું જણાવ્યું હતું.

આ ઇસમોએ ભેગા મળીને ચાર મહિના પૂર્વે રૂદેલ સિદ્ધિ વિનાયક મંદિરમાં અને પાનના ગલ્લામાંથી તસ્કરી કરી હતી. તેમજ પાદરા તાલુકાના સમિયાલા બાયપાસ રોડ પર શ્રીકૃષ્ણ મંદિર ગોકુળપુરા અને બારડોલી તથા વ્યારા વિસ્તારમાં પણ બંધ મકાનમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું.