પેપર લીક કાંડ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સિન્ડિકેટ સભ્યો રાજીનામા આપે તેવી માંગ ઉઠી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ BBA અને B.Com નું પેપર લીક થવાની ઘટનામાં યુનિવર્સિટી અને પોલીસ તંત્રએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરતા શનિવારે રાજકોટ NSUI ના આગેવાનો પોલીસ કમિશનરની કચેરીએ દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી.
આ ઉપરાંત આગામી 3 દિવસમાં જો પોલીસ ફરિયાદ નહીં નોંધાય અને કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજકોટ જિલ્લા NSUI ધરણાં પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. બીજી બાજુ NSUI ના પ્રદેશ પ્રમુખે પણ અમદાવાદમાં પત્રકાર પરિષદ કરીને જ્યાં સુધી પેપર કાંડની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમામ સિન્ડિકેટ સભ્યો રાજીનામા આપે તેવી માગણી કરી હતી.
NSUI ના રાજકોટ પ્રમુખ રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, પેપર લીક થયાને 23 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ દાખલ ન થતા અને કાર્યવાહી ન થતા શનિવારે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી બાંધી અને યુનિવર્સિટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી 3 દિવસમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો કાર્યવાહી નહીં થાય તો ધરણાં યોજી વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તપાસ દરમિયાન કોઈ દખલગીરી ન થાય તે માટે સિન્ડિકેટ મેમ્બર તપાસ પૂરી ન થાય ત્યાં સુધી રાજીનામું આપે તેવી માગણી કરી છે.