ગાંધીનગરનાં રણાસણ સર્કલ નજીક રાત્રીના સમયમાં મોબાઈલ લૂંટવાના ઈરાદાથી સગીર પર ચપ્પુથી હુમલો કરી, લૂંટારુ પલાયન

copy image

ગાંધીનગરમાં આદર્શ આચારસંહિતાની વચ્ચે ગઈકાલે રાત્રિના સમયે નાના ચીલોડા રણાસણ સર્કલ પાસેના સર્વિસ રોડ ઉપર બે લૂંટારૂઓએ બે સગીરવયના પિતરાઈ ભાઈઓને આંતરી એકના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું. તથા મોબાઈલની લૂંટનો પ્રયત્ન કરી ભાગી જતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ખેડા જિલ્લાના કઠલાલ મધ્યે રહેતો મોહમ્મદ યાસીન જસીર અહેમદ શાહ કેક અને બેકરી બનાવવાની કંપનીમા છેલ્લા બે વર્ષર્થી નોકરી કરે છે. મોહમ્મદનો નાનોભાઇ તથા તેનો કાકાનો દિકરો કઠલાલ ફરવા આવવા માટે ઉત્તરપ્રદેશથી નીકળ્યાં હતા.
આ દરમિયાન ગત રાત્રીના રોજ આ બંનેએ નાના ચિલોડા રીંગ રોડ સર્કલ પાસે ઉતરી ગયા હોવાની જાણ કરી હતી. જેથી તેણે બ્રિજ પાસે આવેલા સર્કલ નજીક રીંગ રોડથી કઠલાલ ખેડા આવવા માટે સાધનો મળી જશે તેવી વાત કરી હતી. ત્યારે બંને પિતરાઈ ભાઈઓ નાના ચીલોડા સર્કલ નજીક પહોંચતા જ અંધારામા બે અજાણ્યા શખ્સોએ આંતરી લીધા હતા અને મોબાઈલ આપી દેવા કહેવા લાગ્યા હતા. જેથી તેઓને મોબાઇલ નહીં આપતા લૂંટારૂઓ ઝપાઝપી કરવા માંડ્યા હતા.

આ દરમિયાન લૂંટારૂઓએ એક સગીર ઉપર જીવલેણ હુમલો કરી ચપ્પુ પેટમાં ઝીંકી દીધું હતું. આ ઘટનાના પગલે બંને ભાઈઓએ બુમાબુમ કરતાં લૂંટારૂઓ ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં સગીરને 108 એમ્બ્યુલન્સ વડે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આ અંગે ડભોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.