1.20 કરોડની ઉઘરાણી મુદ્દે વેપારીનો અપહરણ કરી આઠ શખ્સોએ હુમલો કર્યો

નાણાંની ઉઘરાણી મુદ્દે વેપારીને ઉઠાવી જઇ આઠ શખ્સો એ  માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. જોકે બનાવની પોલીસમાં તુરંત જાણ કરવામાં આવતા પોલીસે મોબાઇલ લોકેશનથી અપહૃત વેપારીને મુક્ત કરાવી સૂત્રધાર સહિત ચાર શખ્સોને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

રાજકોટના જવાહર રોડ, શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા અને વાંકાનેરમાં કરિયાણા અને સિરામિકના ભંગારનો વેપાર કરતા આશિષ નલીનભાઇ કોટેચા નામના વેપારીએ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, કૃષ્ણસિંહ જાડેજા, દિવ્યેશ ઉર્ફે ભૂરો વાઘેલા અને ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, 2019માં તેનો સંપર્ક શેરબજારનું કામ કરતા દિવ્યરાજસિંહ સાથે થયો હતો.

પછીથી પોતે પણ દિવ્યરાજસિંહ મારફત શેરબજારમાં રોકાણ શરૂ કર્યું હતું. 2020માં કોરોનાની મહામારીને કારણે શેરબજારમાં રૂ.1.20 કરોડની નુકસાની થઇ હતી. જે રૂપિયા મારે દિવ્યરાજસિંહને ચૂકવવાના હતા. જેથી દિવ્યરાજસિંહ અવારનવાર ઉઘરાણી કરતા હતા પોતાને સગવડતા થશે ત્યારે પોતે ચૂકવી આપશેનું જણાવ્યું હતું. ત્યારે દેવદિવાળીની સાંજે દિવ્યરાજસિંહે તેને પૈસાની લેતીદેતી મુદ્દે દોઢસો ફૂટ રિંગ રોડ પર આવવા કહ્યું હતું. જેથી પોતે ઘરે છે ઘરે આવી વાત કરવાનું કહેતા તે ત્યાં આવે છે તેમ કહ્યું હતું. ત્યાર બાદ પોતે મિત્ર ગિરિરાજસિંહ ચાવડા સાથે ઘરે બેઠા હતા.

નવ વાગ્યાના અરસામાં ફરી દિવ્યરાજસિંહે ફોન કરી ભાભા હોટેલ પાસે આવવા કહેતા પોતે મિત્ર ગિરિરાજસિંહ અને ભાઇ નૈમિષ સાથે ત્યાં ગયા હતા. જ્યાં દિવ્યરાજસિંહ, યુવરાજસિંહ, કૃષ્ણસિંહ, દિવ્યેશ ઉર્ફે ભૂરો ઊભા હતા. ત્યાં દિવ્યરાજસિંહે હું અવારનવાર મારા પૈસા માગું છું તું કેમ નથી આપતો તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો અને મારા ભાઇને તમાચા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ અન્ય એક કાર ત્યાં આવી હતી જેમાં ચાર અજાણ્યા શખ્સો ધસી આવતા બળજબરીથી પોતાને તેમજ મિત્ર ગિરિરાજસિંહને કારમાં બેસાડી સીનર્જી હોસ્પિટલ પાસે આવેલા આસ્થા એવન્યૂ પાર્કમાં લઇ ગયા હતા.

જ્યાં ગિરિરાજસિંહને ત્યાંથી જવા દીધા હતા. જ્યારે પોતાને એક મકાનમાં લઇ ગયા હતા. ત્યાં યુવરાજસિંહે છરી બતાવી પૈસા દેવાના છે કે નહિ નહીંતર તને જીવતો અહીંથી જવા નહિ દઇએ તેમ કહી માર માર્યો હતો. દિવ્યરાજસિંહે પાઇપથી માર માર્યો હતો. મારની બીકે પોતાને બે-ત્રણ મહિનાનો સમય આપવા, બાકી મારી મિલકત તમારા નામે કરી દઇશની વાત કરી હતી. પોતાને ઉઠાવી ગયા બાદ પરિવારે તુરંત પોલીસને જાણ કરતા ક્રાઇમ બ્રાંચ અને એ ડિવિઝન પોલીસે મોબાઇલના આધારે લોકેશન મેળવી આસ્થા એવન્યૂ પાર્કમાં દોડી આવ્યા હતા અને પોતાને મુક્ત કરાવી દિવ્યરાજસિંહ, યુવરાજસિંહ, કૃષ્ણસિંહ, દિવ્યેશ ઉર્ફે ભૂરાને પકડી પાડ્યા હતા. આ બાબતે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.