વાવડીમાં 5 વર્ષ પહેલા યુવાનની હત્યા કરનારને આજીવન કેદ

રાજકોટની ભાગોળે 5 વર્ષ પહેલા હત્યા કરવાના ગુનામાં પકડાયેલા આરોપી દિલીપ નરશી ભલસોડને એડિશનલ સેશન્સ જજ બી.બી.જાદવે તકસીરવાન ઠેરવી IPC 302ની કલમ હેઠળ આજીવન કેદ અને દંડ, IPC 354(એ) હેઠળ છ મહિનાની, IPC 447 હેઠળ એક મહિનાની અને GP એક્ટ 135(1) હેઠળ છ મહિનાની સજા ફટકારતો હુકમ કર્યો છે.
વાવડી ગામે આવેલા તુલસી એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પંકજ પ્રભાશંકરભાઇ પુરોહિત નામના યુવાનની ઘરમાં ઘૂસી આરોપી દિલીપ ભલસોડે છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. જે બનાવ અંગે મૃતકની પત્ની ફોરમબેન પુરોહિતે તા.12-6-2017ના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યું હતું કે, પતિ પંકજને ટ્રાવેલિંગનું કામકાજ હતું તે બહારગામ જતા એકલતાનો લાભ લઇ આરોપી દિલીપ ઘરે આવ્યો હતો અને પોતાની સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરી ધમકાવતા આરોપી દિલીપ ત્યાંથી જતો રહ્યો હતો. સાંજે પતિ પંકજ ઘરે આવતા દિલીપના કૃત્ય અંગેની વાત કરી હતી. જેથી પતિ પંકજે દિલીપને ઠપકો આપવા માટે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં બોલાવ્યો હતો, પરંતુ તે નહિ આવતા પતિ પંકજ આરોપી દિલીપના ઘરે ઠપકો દેવા ગયા હતા. દિલીપના ઘરનો દરવાજો ખટખટાવ્યા પછી તરત જ પંકજ પર દિલીપ છરી સાથે તૂટી પડ્યો હતો અને આડેધડ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયો હતો.
દિલીપના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પતિ પંકજને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવાયા હતા, પરંતુ પતિ પંકજે ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. બનાવને પગલે પોલીસે તપાસ શરૂ કરી આરોપીને છરી સાથે પકડી પાડી ધરપકડ કરી આરોપીને જેલહવાલે કરી તેના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. જે કેસ ચાલતા સરકારી વકીલ પરાગ એન. શાહે કેસમાં રજૂ થયેલા 17 શાહેદ અને 29 દસ્તાવેજી પુરાવાઓ તપાસ્યા હતા. જેમાં આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ હતો કડકમાં કડક સજા કરવા રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી અદાલતે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
 
                                         
                                        