જામનગરમાં ફોર વ્હીલરે સ્કૂટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો: માતા અને પુત્ર ઇજાગ્રસ્ત

જામનગરની ભાગોળે ગુલાબનગરથી અન્નપુર્ણા ચોકડી તરફ જતા માર્ગ પર પુરઝડપે દોડતા એક ફોર વ્હીલરે સ્કુટરને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં સ્કુટર સવાર મહિલા અને તેના માસુમ પુત્રને નાની મોટી ઇજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે. જયારે વાહનચાલક ભાગી ગયો હોવાનું સામે આવ્યુ છે.
જાણવા મળતી માહિતી અનુસાર શહેરમાં ગુલાબનગરથી અન્નપુર્ણા ચોકડી તરફ જતા માર્ગ પર ગત મોડી સાંજે એક દંપતિ અને તેનો માસુમ પુત્ર સ્કુટર પર પસાર થઇ રહયા હતા તે દરમિયાન એક પુરઝડપે ધસી આવેલા ફોર વ્હીલરના ચાલકે સ્કુટરને ઠોકર મારતા અકસ્માત થયો હતો.
જે અકસ્માતમાં પ્રિયકાબેન(ઉ.વ. 27) અને તેના પુત્ર જય (ઉ.વ. 03)ને નાની મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. જેમાં મહિલાને પાસંળીના ભાગમાં ઇજા થયાનુ અને માસુમ બાળક પણ લોહીલુહાણ થયાનુ જાણવા મળ્યુ હતુ. તો આ અકસ્માત સર્જી ફોર વ્હીલનો ચાલક નાશી છુટયાનુ પણ સામે આવ્યુ છે.આ ઘટનાના પગલે સ્થળ પર આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા.અકસ્માતનો ભોગ બનેલો પરીવાર ગુલાબનગર વિસ્તારમાંથી તેના મામાના ઘરે અન્નપુર્ણા ચોકડી તરફ જઇ રહયા હતા તે સમયે તેને માર્ગમાં અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે.